સૌજન્ય-નવસારી શહેરનાં અનેક વિસ્તારોમાં પાણીનો કકળાટ હાલ જોવા મળી રહ્યો છે. પાણીની સમસ્યાને લઇને શહેરીજનોનાં મોરચા પાલિકા, સરકારી કચેરીએ આવવા લાગ્યા છે.
કેનાલનું પાણી પૂરતું ન મળતાં હાલ નવસારી પાલિકાએ શહેરમાં ‘પાણીકાપ’ મૂક્યો છે. દરરોજ બે ટાઇમની જગ્યાએ માત્ર એક જ ટાઇમ પાણી લોકોને પાલિકા આપી રહી છે. જોકે અનેક વિસ્તારમાં એક ટાઇમ પાણી પણ યોગ્ય રીતે ન મળતાં અસરગ્રસ્ત વિસ્તારમાં લોકોની નારાજગી હવે વધી રહી છે અને લોકોનાં મોરચા કચેરીએ આવવા લાગ્યા છે.
સોમવારે જલાલપોર વિસ્તારની અમૃતનગર સોસાયટીની મહિલાઓનો મોરચો કલેક્ટર કચેરીએ પહોંચ્યો હતો. મહિલાઓનું કહેવું છે કે કેટલાક દિવસથી પાલિકાનું પાણી બરાબર આવતું નથી. પાલિકા હાલ માત્ર એક ટાઇમ પાણી તો આપે છે પરંતુ તે પૂરતા પ્રેશરથી આપતી નથી. કેટલાક ઘરોમાં તો લગભગ ખૂબ જ ઓછું પાણી આવે છે જેથી પીવાના પાણીની તકલીફ રહે છે. પાણી પૂરતું ન આવતા 200 રૂપિયા ખર્ચી કેટલાક લોકોએ તો પાણીનું ટેન્કર બોલાવવું પડે છે. અમારી સમસ્યા પર પાલિકા ધ્યાન આપતી નથી. મહિલાઓએ નિવાસી એડીશનલ કલેક્ટર કમલેશ રાઠોડને રજૂઆત કરી હતી. જલાલપોર ઉપરાંત શહેરનાં રૂસ્તમવાડીના લોકોનો મોરચો પણ પાલિકા કચેરીએ આવ્યો હતો. અહીંના લોકોએ પાણી મળતું ન હોવાની રજૂઆત પાલિકા પ્રમુખ કાંતીભાઇ પટેલને કરી હતી.
જલાલપોર વિસ્તારની મહિલાઓનો પાણી મુદ્દે મોરચો. તસવીર: ભદ્રેશ નાયક
એક ટાઇમ પણ પૂરતું પાણી નહીં
નવસારી શહેરમાં પાણીનો કકળાટ હાલ એક-બે વિસ્તારમાં જ છે એવું નથી અનેક વિસ્તારમાં છે. પાલિકાનાં વિપક્ષી કોર્પોરેટર પિયૂષ ઢીંમ્મરે જણાવ્યું કે, પાલિકા હાલ એક ટાઇમ પાણી આપવાની વાત તો કરે છે પરંતુ અનેક વિસ્તારમાં એક ટાઇમ પણ પૂરતું મળતું નથી. શહેરના દશેરા ટેકરી, દાંડીવાડ મકદમપૂરા, માતા ફળિયા, ઘેલખડી વિગેરે વિસ્તારોમાં પાણી યોગ્ય મળતું નથી.
અમૃતનગરની ફરિયાદ જ મળી નથી
જલાલપોરનાં અમૃતનગર વિસ્તારમાં પાણીની સમસ્યા છે એ બાબતની મને કોઇ ફરિયાદ મળી નથી. જાણકારી થઇ નથી. જો જાણ જ ન કરાય તો કેવી રીતે ચાલે? હવે જાણ થઇ છે તો એક્શન લઇશું. ભૂપત દુધાત સ્થાનિક કાઉન્સીલર, નવસારી પાલિકા