નવસારી: નવસારીના તીઘરા વાડી પાસે સ્થળાંતરિત કરેલી બે વિધવા આદિવાસી મહિલાના પરિવારે આઝાદીના 70 વર્ષ બાદ વીજ કનેકશન ગાંધી જયંતીના દિવસે આવતા તેઓના મુખ પર ખુશી દેખાતી હતી. જેનો યશ સ્થાનિક નગરસેવકની મદદ કરવાની ભાવનાને જાય છે. નવસારીના તીઘરાવાડી પાસે બે આદિવાસી પરિવાર વસવાટ કરી રહ્યું હતું. જેમાં સીતાબેન ઠાકોરભાઈ હળપતિ અને ભીખીબેન ગોવિંદભાઈ રાઠોડનો પરિવાર દર ચોમાસે નીચાણવાળા વિસ્તારમાં તેમનું ઘર હોય પાણી ભરાઈ જતું હતું. આ બંને આદિવાસી પરિવાર જમાલપોર નજીક ખાનગી માલિકીની જગ્યામાં રહેતો હતો પરંતુ તેમને તે સ્થળેથી ખસેડી મુકવામાં આવ્યા હતા. તીઘરા વાડી પાસે ખાડા જેવી જગ્યામાં ઘર બાંધી રહેતા હતા.
આજુબાજુના લોકોએ આદિવાસી પરિવારની કરૂણ કથની બતાવી
તેમની પાસે ચૂંટણીકાર્ડ, રેશનકાર્ડ, આધારકાર્ડ જેવા સરકારી દસ્તાવેજો ન હોય વીજ કંપનીમાં જાય તો લીલા તોરણે ગરીબ આદિવાસીઓને બહાર કાઢે. આમ રાત પડેને કેરોસીનના દીવાના પ્રકાશ વડે જીવવાનો નિત્યક્રમ હતો. હાલમાં ચોમાસાની ઋતુમાં તીઘરા વાડી પાસે રેલના પાણી ભરાયા હતા. જેથી નગરસેવક પ્રમોદ રાઠોડ તથા કાર્યકરો આવ્યા અને પૂછયુ કે આ ખાડામાં કોણ રહે છે ! તેનો ફોડ પાડતા આજુબાજુના લોકોએ આદિવાસી પરિવારની કરૂણ કથની બતાવી હતી.
પ્રમોદ રાઠોડે આ કુટુંબને મદદ કરવાનું વચન આપ્યું હતું પરંતુ સરકારી દસ્તાવેજો, માલિકીની જગ્યા ન હોય કેવી રીતે મદદ થઈ શકે. બાદમાં આ બંને પરિવારના સભ્યોના આધારકાર્ડ કઢાવ્યા અને પાલિકાની જરૂરી પરમિશન લીધી અને ડીજીવીસીહેલ પાસે સરકારી યોજના રાજીવ ગાંધી વીજકરણ યોજના હેઠળ પરિવારને વીજ કનેકશનના ફોર્મ ભરાવ્યું હતું. આજે ગાંધીબાપુની જન્મજયંતીએ જ આદિવાસી પરિવારને ત્યાં 70 વર્ષના અંધારા બાદ વીજળીનો પ્રકાશ આવ્યો હતો…સૌજન્ય-D.B