જીગર નાયક, નવસારી
ખેરગામ તાલુકાના અંતરિયાળ પાટી ગામના આસપાસના અન્ય 5 ગામો મળીને કુલ 6 ગામો માટે બનેલી પાટી-કાકાળવેરી જૂથ પાણી યોજનામાં ગ્રામ પંચાયતોને લાખોના પાણી બીલ પહોંચતા ગામના આગેવાનોમાં આક્રોશ જોવા મળી રહ્યો છે. સાથે જ જૂથ પાણી યોજના શરૂ થયાને વર્ષો થવા છતા ગામમાં બનેલી ટાંકીઓમાં પાણી આવ્યું જ ન હોવાના આક્ષેપો કરવામાં આવ્યા હતા. જ્યારે સામે પાણી પુરવઠા વિભાગના અધિકારી ગામોમાં પાણી પહોંચતું હોવાનો રાગ આલાપી રહ્યા છે.
ખેરગામ તાલુકાના અંતરિયાળ ડુંગરાળ વિસ્તારોના પાટી, કાકાડવેરી, ગૌરી, જામનપાડા, વડપાડા અને તોરણવેરા ગામોને પીવાનું પાણી માલી રહે એ હેતુથી પાણી પુરવઠા વિભાગ દ્વારા 23 કરોડ રૂપિયાના ખર્ચે પાટી-કાકડવેરી જૂથ પાણી યોજના શરૂ કરી હતી. પાટી ગામ નજીકથી વહેતી તાન નદીમાંથી પાણી મેળવી તેને 1.28 એમએલડીનો ફિલ્ટર પ્લાન્ટ કાર્યરત કરવામાં આવ્યો હતો. જેમાં નદીમાંથી પાણી પહોંચાડી તેને ફિલ્ટર કરી ગામોની ટાંકીમાં પહોંચાડવાની યોજના હતી. જેમાં તમામ ગામોમાં 1 હજાર લીટર પાણીના 2 રૂપિયા પ્રમાણે પાણી પુરવઠા વિભાગ ચાર્જ કરે છે. પરંતુ વર્ષો બાદ ઉપરોક્ત 6 ગામોને લાખો રૂપિયા પાણી બીલ મળતા ગામના આગેવાનોમાં આક્રોશ જોવા મળી રહ્યો છે. જેમાં જે ગામમાં યોજનાનો સંપ, ફિલ્ટર પ્લાન્ટ, ટાંકી વગેરે છે, એ ગ્રામ પંચાયતને 5.71 લાખ રૂપિયાનું પાણી બીલ આપવામાં આવ્યું છે, જ્યારે અન્ય ગામોને પણ દોઢ લાખથી વધુના પાણી બીલ પાહોંચાડવામાં આવ્યા છે.
ગામોમાં લોકોને પુરતુ પાણી મળી રહે તે માટે જે યોજના શરૂ કરવામાં આવી છે.એ યોજના નો લાભ આજદીન સુધી જે ગામમાં આ યોજનાની શરૂઆત કરવામાં આવી એ ગામને નથી મળ્યો તો અન્ય પાંચ ગામો ની તો વાતજ દુર ત્યારે જે યોજના આજદીન સુધી ચાલુ નથી થઈ એ યોજના હવે ચાલુ કરવામાં આવે તેવીજ લોકોની માંગ ઉઠવા પામી છે.
ખેરગામ તાલુકાની પાટી-કાકડવેરી જૂથ પાણી યોજનામાં આવેલ 6 ગામોમાંથી 3 ગામોમાં ભાજપના સરપંચ અને 3 ગામોમાં કોંગ્રેસના સરપંચ હોવાથી પણ તેમને અન્યાય થતો હોવાના આક્ષેપો કરવામાં આવ્યા હતા. જોકે ઉપરોક્ત તમામ આરોપોને પાણી પુરવઠા વિભાગના અધિકારીએ નકારી કાઢ્યા હતા અને માનવતાને જોતા પાણી તો આપવું જ પડે નો સુર કાઢી, તમામ ગામોની પાણીની ટાંકીઓમાં પાણી પહોંચતું જ હોવાની વાત કરી કોઈને અન્યાય નહીં કરતો હોવાનું જણાવ્યું હતું.
23 કરોડની બનેલી યોજના હાલ માત્ર કાગળ ઉપર હોય અને એકપણ ગામને પાણી મળતુ ન હોવાથી ગ્રામપંચાયત ને જે લાખો રૂપિયાના બિલો પાણી પુરવઠા વિભાગ દ્વારા આપવામાં આવ્યા છે.એ ન ભરવાનુ સરપંચો જણાવી રહ્યા છે.ત્યારે બીજી તરફ આ યોજના ચાલુ હોવાનુ પાણીપુરવઠા અધિકારી જણાવી રહ્યા છે.ત્યારે બંન્નેમાં સાચુ કોણ એની યોગય તપાસ કરવામાં આવે તોજ સત્ય હકિકત બહાર આવે તેમ છે.