જીગર નાયક ,નવસારી
નવસારીમાં ધૂમ સ્ટાઇલ બાઈક ચલાવતા યુવાનો માટે ચેતવણી રૂપ કિસ્સો ગત મોડી રાતે પ્રકાશમાં આવ્યો છે. નવસારી ગણદેવી માર્ગ પર પૂર ઝડપે જઇ રહેલી સ્પોર્ટ્સ બાઇક સામે અચાનક ભેંસોના ટોળાની ભેસ સાથે અથડાતા ચાલકનું ઘટના સ્થળે જ મોત નિયજ્યું હતું, જ્યારે બીજાને ગંભીર હાલતમાં નજીકની હોસ્પીટલમાં ખસેડાયો હતો.
નવસારી-ગણદેવી માર્ગ પર સાંજ પડતાની સાથે જ નબીરાઓ સ્પોર્ટ્સ બાઈક્સ લઈને ધૂમ સ્ટાઇલમાં ઝડપની મજા માણવા નીકળી પડતાં હોય છે. જેના કારણે ઘણીવાર આકસ્માતનો ભોગ બનતા એમણે જીવ પણ ગુમાવવો પડે છે. ગત મોડી રાતે પણ નવસારી ગણદેવી માર્ગ પર જમાલપોર ગામે જમના પાર્ક સોસાયટી નજીક ધૂમ સ્ટાઈલે નવસારી તરફ આવી રહેલી સ્પોર્ટ્સ બાઇક સોસાયટીમાથી રસ્તા પર નીકળતા ભેંસોના ટોળાંની એક ભેસ સાથે અથડાઇ હતી. ભેસ સાથે અથડાતાં બાઇક પર સવાર બંને યુવાનો ફાંગોળાઈને રસ્તા પર પટકાયા હતા. જેમાં બાઇક ચાલક ગૌરાંગ રાઠોડનું ઘટના સ્થળે જ મોત નીપજયું હતું. જ્યારે એના મિત્ર સુનિલ પરમારને એમ્બ્યુલસ મારફતે નજીકની ખાનગી હોસ્પીટલમાં ખસેડયો હતો અને ત્યાથી વધુ સારવાર અર્થે એને સુરત રિફર કરાયો હતો. ઉલ્લેખનીય છે કે, ગ્રામજનોએ સંબંધિત વિભાગો અને સ્થાનિક ધારાસભ્યને આ માર્ગ પર સ્પીડ બ્રેકર મૂકવાની માંગ કરી હોવા છતા આજ દિન સુધી કોઈ કાર્યવાહી ન થતાં રોષ જોવા મળી રહ્યો હતો.