ધમડાછા ખાતે પુલ બનાવવા રાજય સરકારનો હકારાત્મક અભિગમ
પીવાનું પાણી ખેતી માટે ઉપયોગ સામે કડક પગલાંઓ લેવા મંત્રીશ્રીનો અનુરોધ
જીગર નાયક,નવસારી
ચીખલી સેવાસદન ખાતે પ્રજા પ્રશ્નો અંગે સમીક્ષા બેઠક મળી :
ચીખલી- નવસારી જિલ્લા પ્રભારી મંત્રી અને વન, આદિજાતિ, પ્રવાસન, મહિલા અને બાળ કલ્યાણ મંત્રી ગણપતસિંહ વસાવાના અધ્યક્ષસ્થાને ચીખલી સેવાસદન ખાતે પડતર પ્રશ્નોની સમીક્ષા બેઠક યોજાઇ હતી. જિલ્લા પંચાયત પ્રમુખ અમિતાબેન પટેલ, ગણદેવી ધારાસભ્ય નરેશભાઇ પટેલ, નવસારી ધારાસભ્ય પિયુષભાઇ દેસાઇ સહિત પદાધિકારીઓ અને અધિકારીઓની ઉપસ્થિતિમાં ચીખલી અને ગણદેવી તાલુકો, બીલીમોરા તેમજ ગણદેવી નગરપાલિકા વિસ્તારના પ્રશ્નોની ચર્ચા કરવામાં આવી હતી.
પ્રભારીમંત્રીશ્રીએ જણાવ્યું હતું કે, મુખ્યમંત્રીશ્રીના સીધા માર્ગદર્શન હેઠળ સમગ્ર રાજયમાં પ્રાંતની નેજા હેઠળના તાલુકામાં પ્રજાના પ્રશ્નોના નિરાકરણ માટે આયોજન થયું છે. જેનો મુખ્ય હેતુ પ્રજાપ્રશ્નોનો ઝડપી ઉકેલ લાવવાનો છે. તેમણે અધિકારીઓને ચીખલી અને ગણદેવી તાલુકાના રજુ થયેલા પ્રશ્નો વહીવટીતંત્ર દ્વારા હકારાત્મક ઉકેલ લાવવામાં આવશે, એમ જણાવ્યું હતું.
તાલુકા સેવાસદન ચીખલી ખાતે પડતર અરજીઓના ઉકેલ માટે યોજાયેલા કાર્યક્રમમાં અશોકભાઇ મિષાીએ દોણજા-સાદકપોર રોડ પર કોઝવે નીચો છે. ૧પ વર્ષથી આ પ્રશ્ન છે. લોકોને ચોમાસામાં હાલાકી ભોગવવી પડે છે. મંત્રીશ્રીએ કાર્યપાલક ઇજનેરશ્રીને જણાવતાં તેઓએ આ પ્રશ્નના નિરાકરણ માટે રૂા.૧૪૦ લાખની દરખાસ્ત કરવામાં આવી હોવાનું જણાવ્યું હતું. માર્ગ પરના દબાણો દુર કરવા પણ અશોકભાઇએ રજુઆત કરતાં કલેકટરે તાત્કાલિક ધોરણે પગલા લેવા સુચના આપી હતી.
ઘેજના ભરતભાઇ પટેલે ચરી અને ઘેજને ચીખલી પોલીસ મથકમાં સમાવવા રજૂઆત કરી હતી. મંત્રીશ્રીએ આ ગામો ચીખલી તાલુકામાં આવતા હોય, લોકોની સરળતા માટે યોગ્ય કાર્યવાહી કરવા જણાવ્યું હતું.
વકાંલના તુષાર રાઠોડે રોડનું નાળું તુટી ગયું છે, રજુઆત છતાં કામ થતું ન હોવાની રજુઆત કરી હતી. આયોજન સહ તાલુકા વિકાસ અધિકારીએ તાત્કાલિક ધોરણે કામગીરી પુર્ણ કરવા ખાતરી આપી હતી.
નોગામાના હરેશભાઇ પટેલે નોગામા વિસ્તારના લોકોને જીઇબી કચેરીની કામગીરી માટે ગણદેવી જવું પડે છે. રાનકુવા વિસ્તારમાં કચેરી શરૂ કરવા અઠવાડિયામાં સર્વે કરીને દરખાસ્ત કરવા દક્ષિણ ગુજરાત વીજ કંપનીને સુચના આપી હતી.
બેઠકમાં ગણદેવી તાલુકાના પણ વિવિધ પ્રશ્નો રજુ કર્યા હતા. જેમાં પ્રજ્ઞેશ વશીએ ટીએસપી ગ્રાંટ ફાળવવા, પ્લાન અને નોનપ્લાન રસ્તાઓ માટે જોબ નંબર આપવા, મનીષભાઇ પટેલે કાંઠા વિસ્તારના ૨પ-૩૦ ગામોને જોડતા ધમડાછા બ્રીજ પર પુર સમયે પાણી ભરાઇ જવા, દેવધા ડેમમાં આવતું ગંદુપાણી રોકવા, ભાઠાના ઘોલફળિયા ચોમાસામાં સંપર્ક વિહોણું બને છે તે માટે માર્ગ હાઇલેવલ કરવા, સરીબુજરંગ ભુગર્ભ ગટર યોજના, વિનોદભાઇ પટેલ વાઘરેચ ટાયડલ ડેમ બનાવવા, ભીખુભાઇ પટેલ બીગરીએ રસ્તાઓ જે બન્યા છે, તેની જમીન સંપાદન કરવા, માજી ધારાસભ્ય કરસનભાઇ પટેલે ધોલાઇ, બીગરી, પોંસરી પીવાનું પાણી, અંબિકા તટના ગામોમાં પાણી ભરાવા, ગણદેવીના ગોપાળભાઇ પટેલે રખડતા ઢોર, પ્રાણલાલ પટેલે ગણદેવી આદિવાસી વિસ્તારમાં સવલત આપવા સહિતના પ્રશ્નો રજુ થયા હતા.
મંત્રીશ્રીએ પોંસરી, બીગરી, ધોલાઇ ગામો માટે પીવાના પાણીની લાઇનમાં ખેતી માટે ચોરી કરતા તત્વોને શોધીને તેની સામે પોલીસ કાર્યવાહી કરવા પાણી પુરવઠા વિભાગને સુચના આપવામાં આવી છે. જયારે ધારાસભ્ય ગણદેવી અને નવસારીએ ધમડાછા બ્રીજ માટે રાજય સરકારે હકારાત્મક અભિગમ અપનાવ્યો હોવાનું જણાવ્યું હતું.
ગણદેવી ધારાસભ્યે નવસારી, ગણદેવી અને ચીખલી હળપતિ વિસ્તારોમાં માળખાકીય સુવિધા માટે રૂા.નવ કરોડ ફાળવવામાં આવ્યા હોવાનું જણાવ્યું હતું. ઘોલ ફળિયાના નિરાકરણ માટે કલેકટરે માર્ગ મકાન વિભાગને ચકાસણી કરવા સુચન કર્યું હતું. અંબિકા તટના ગણદેવી તાલુકાના ગામોમાં ચોમાસામાં પાણી ભરાવા બાબતે કલેકટરે જણાવ્યું હતું કે, આ પ્રશ્નના નિરાકરણ માટે લાંબાગાળાનું આયોજન કરીને, કાયમી ધોરણે ઉકેલ આવે તે મુજબ આયોજન કરવામાં આવશે, તેમ જણાવ્યું હતું.
નવસારી કલેકટર ર્ડા.એમ.ડી.મોડીયાએ જણાવ્યું હતું કે, રાજયભરમાં પ્રભારીમંત્રીની ઉપસ્થિતિમાં પ્રશ્નોની સમીક્ષા કરવામાં આવી રહી છે. પારદર્શક વહીવટ સાથે લોકપ્રશ્નોના ઝડપી ઉકેલ માટે સતત મોનીટરીંગ કરવામાં આવશે
જિલ્લા પંચાયત પ્રમુખ અમિતાબેન પટેલ, જિલ્લા વિકાસ અધિકારી આર.જી.ગોહિલ, પ્રાંત અધિકારી આર.બી.ભોગાયતા સહિત અમલીકરણ અધિકારીઓ બેઠકમાં ઉપસ્થિત રહયા હતા.