નવસારીમાં છેલ્લા 48 કલાકથી વરસાદ પડતા અનેક વિસ્તારોમાં પાણી ભરાયા છે. ત્યારે સુપા અને કૂરેલ ગામ વચ્ચેનો પૂર્ણા નદી પરનો લો લેવલ બ્રિજ વરસાદી પાણીમાં ડૂબી જતા 11 ગામોના હજારો લોકોને અવરજવર માટે ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.
લગભગ 15 વર્ષ પહેલા નિર્માણ થયેલ પૂર્ણા નદી પરનો બ્રિજ ઊંચો ન હોઈ લો લેવલ પર બનાવેલો હોવાથી દર ચોમાસામાં બ્રિજ પાણીમાં ડૂબી જાય છે, જેના કારણે 11 ગામના લોકોને અવરજવર માટે હાલાકી વેઠવી પડે છે. ગુરુવારે વરસાદ પડતા બ્રિજ પાણીમાં ડૂબી ગયો હતો, જેના કારણે રાહદારીઓ અને વાહનચાલકોની અવરજવર બંધ કરવામાં આવી હતી. આ બ્રિજ સુરત, નવસારી અને નજીકના 11 ગામોમાં જવા માટે ખૂબ જ ઉપયોગી છે.
આગામી સમયમાં પૂર્ણા નદી પર ડેમ બનાવવામાં આવી રહ્યો છે. ડેમ બનવાથી સૂપા-કૂરેલ ગામ સુધી પાણી રહેવાનો અંદાજ છે. આ સ્થિતિમાં ડેમ બન્યા બાદ ગામના લોકોને ભારે મુશ્કેલી થઈ શકે છે. આ માટે તંત્ર દ્વારા નવો ઊંચો બ્રિજ બનાવવામાં આવે છે કે કેમ તે હવે જોવાનું રહેશે. જણાવી દઈએ કે, આ બ્રિજનો ઉપયોગ સૂપા, કુરેલ, ખેરગામ, શાહું, વચ્છરવાડ, ઉગત, સેવાસણ, અંબાડા, નિહાલી, પેરા અને સિંગોડ વગેરે ગામના લોકો કરે છે.