નવસારી ખાતે હાઇવે નં. 48 પર આવેલા બોરીયાચ ટોલનાકા નજીક રાજસ્થાનથી મુંબઈના કતલખાને લઇ જતી ઘેંટા-બકરાથી ખીચોખીચ અને અમાનવીય પદ્ધતિથી ભરેલી ટ્રકને પોલીસે રોકી તપાસ કરતા ટ્રકમાં પાણી કે ઘાસચારાની વ્યવસ્થા વગર ક્રૂરતાપૂર્વક પશુઓને ભરી સપ્લાય કરવામાં આવી રહ્યા હોવાનું જણાતા ગ્રામ્ય પોલીસે ટ્રકને કબજે લઈ ડ્રાઇવરની અટકાયત કરી પશુક્રુરતા અધિનિયમ હેઠળ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.
મળતી માહિતી મુજબ, નવસારી જિલ્લાના બોરીયાચ ટોલનાકા નજીક એક ટ્રકમાં ખીચોખીચ અને અમાનવીય પદ્ધતિથી ઘેંટા-બકરાને ભરી પાણી કે ઘાસચારાની વ્યવસ્થા વગર રાજસ્થાનથી મુંબઈના કતલખાને લઈ જવાતા હોવાની માહિતી મળતા જીવદયા સંસ્થાના સ્વયંસેવક મહાવીર કુમાર જૈને નવસારી જિલ્લા પોલીસ કંટ્રોલરૂમમાં ફોન કરી જાણ કરી હતી. આથી પોલીસની એક ટીમ હાઇવે પહોંચી હતી અને શંકાસ્પદ જણાતી ટ્રકને રોકી તપાસ કરી હતી. ટ્રકમાં ઘેંટા અને બકરાને પાણી કે ઘાસચારાની વ્યવસ્થા વગર ખીંચોખીચ ભરીને લઈ જવાતા હતા. આથી પોલીસે ટ્રકને કબજે કરી હતી.
ટ્રક ડ્રાઇવર કિફાયતમિયાંની પૂરપરછ કરતા તેની પાસે કોઈપણ જરૂરી દસ્તાવેજી પુરાવો મળી આવ્યા ન હતા. આથી પોલીસે તેની અટકાયત કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે. જ્યારે પશુઓને વાપીના પાંજરાપોળ ખાતે મૂકવાની તજવીજ શરૂ કરવામાં આવી છે. આ કાર્યવાહીમાં પોલીસે ટ્રક અને બકરા મળીને કુલ 15,40,000 નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે.