નવસારીના ચીખલી ખાતે રૂ.88.37 લાખની કિંમતનો શંકાસ્પદ યુરિયા ખાતરનો અંદાજીત 1.42 લાખ કિલોની 2952 બેગ ખાતરનો જથ્થો પકડી પાડવામાં આવ્યો હતો. આ યુરિયા ખાતરનાં અનઅધિકૃત વપરાશ-નિકાસ મામલે ફરજ પ્રત્યે નિષ્કાળજી બદલ નવસારી જિલ્લાના નાયબ ખેતી નિયામક પ્રફુલ્લભાઇ રમણભાઇ ચૌધરી, વર્ગ-1 તેમજ ચીખલીના ખેતી અધિકારી ટીપ્લેશકુમાર કાંતિલાલ પટેલ વર્ગ-2 ને ગુજરાત રાજ્ય સેવા (શિસ્ત અને અપીલ)ના નિયમો મુજબ શિસ્ત વિષયક કાર્યવાહી કરીને તાત્કાલિક અસરથી ફરજ મોકૂફી હેઠળ મૂકાયા છે, તેમ ખેતી નિયામક દ્વારા જણાવાયું છે.
ઉલ્લેખનીય છે કે, ખેતીવાડી ખાતા દ્વારા ખેતી વપરાશનાં યુરિયાનો અનઅધિકૃત ઔધોગિક વપરાશ તથા તેને અન્ય બેગમાં ટ્રાન્સફર કરી નિકાસ થતો હોવાની મળેલી ચોક્ક્સ બાતમીનાં આધારે તાજેતરમાં નવસારી જિલ્લાના ચીખલી પંથકમાં દરોડા પાડવામા આવ્યા હતાં. ચીખલી તાલુકાનાં આલીપોર (ખુંધ) ખાતે આવેલી આદિત્ય ઈન્ડસ્ટ્રીઝ, આલીપોર ખાતે આવેલી વિન્ડસન કેમીકલ પ્રાઈવેટ લિમિટેડ તથા થાલા ખાતેના શિવકૃપા હોટેલમાં તપાસ કરવામાં આવી હતી. આ વિવિધ સ્થળોએ પાડેલા દરોડામાં 6 અલગ અલગ વાહનોમાંથી રૂ.88.37 લાખની કિંમતનો શંકાસ્પદ યુરિયા ખાતરનો અંદાજીત 1.42 લાખ કિલોની 2952 બેગ ખાતરનો જથ્થો પકડી પાડવામાં આવ્યો હતો, જે અંતર્ગત સંબંધિત અધિકારીઓની ફરજમાં નિષ્કાળજી બદલ કાર્યવાહી કરીને તેમને ફરજ મોકૂફી હેઠળ મૂકાયા હતા.