નવસારી સિવિલમાં વિશ્વા એન્ટરપ્રાઇઝ કંપની કોન્ટ્રાક્ટ ધરાવે છે. જેમાં વર્ગ 3 અને 4 ના તમામ કર્મચારીઓ કોન્ટ્રાક્ટ હેઠળ કામ કરે છે. ત્યારે છેલ્લા દોઢ મહિનાથી પગારથી વંચિત 128 કર્મચારીઓએ હડતાળમાં ઉતર્યા હતા. 35 ડિગ્રી તાપમાન વચ્ચે કર્મચારીઓએ સિવિલની બહાર બેસી કર્મચારીઓએ હડતાળ શરૂ કરી હતી જેને પગલે દિવસમાં થતી આશરે 1000 જેટલી OPD અટવાઈ હતી.
નવસારી સિવિલમાં OPD, ઓપરેશન થિયેટર, મેન ગેટ, વોર્ડ બોય સહિત મહત્વની કામગીરી સુપેરે પાર પાડતા કર્મચારીઓને છેલ્લા દોઢ મહિનાથી વિશ્વા એન્ટરપ્રાઇઝ નામની કોન્ટ્રાક્ટ ધરાવતી કંપનીએ પગાર બાબતે ઠાગાઠૈયા કરતા મજબૂરીવશ કર્મચારીઓએ સિવિલની બહાર 35 ડિગ્રી તાપમાનમાં બેસી હડતાળ શરૂ કરી હતી. જોકે, સિવિલ સર્જન કે.એમ.શાહ કર્મચારીઓને સમજાવવા માટે કેમ્પસમાં આવ્યા હતા, પરંતું કર્મચારીઓએ પગાર કરો ત્યારબાદ તેઓ માનશે તેવી વાત કહી હતી. આ મોંઘવારીમાં એક દિવસ પગાર મોડો થાય તો ઘર ચલાવવું મુશ્કેલ બને છે ત્યારે આ કર્મચારીઓ છેલ્લા દોઢ મહિનાથી વધુથી પગાર વગર કામ કરી રહ્યા છે. ત્યારે આ સમગ્ર મામલે સ્થાનિક નેતાગીરીએ મધ્યસ્થી કરીને પગાર થાય તેવી માંગ પણ આ કર્મચારીઓ દ્વારા કરવામાં આવી છે.
નવસારીમાં દરરોજ 1000 જેટલી ઓપીડી થાય છે ત્યારે સિવિલમાં સારવાર માટે આવેલા દર્દીઓને મુશ્કેલી ન પડે તેનું ધ્યાન પણ કર્મચારીઓએ રાખ્યું છે. માનવતાના ધોરણે કોઈ ઇમર્જન્સી આવે તો તેઓ ફરજ બજાવવામાં પાછી પાની નહીં કરે તેવો પણ નિર્ધાર આ કર્મચારીઓએ કર્યો છે.
પરિમલ મકવાણા નવસારી