મુંબઇ : મુંબઇની સાકીનાકા પોલીસે નાશિકમાં મેફેડ્રોન બનાવવાના કારખાનાનો પર્દાફાશ કર્યો હતો. ડ્રગ ખરીદી અને વેચાણના સિંડીકેટના ૧૨ આરોપીને ઝડપી લઇ રૃા. ૩૦૦ કરોડનો ૧૫૧ કિલો મેફેડ્રોનનો જથ્થો કબજે કરવામાં આવ્યો હતો.
સાકીનાકા પોલીસ સ્ટેશનના સિનિયર પોલીસ ઇન્સ્પેક્ટર ગબાજી ચિમટેએ જણાવ્યું હતું કે આ ગેંગને કોર્ટમાં હાજર કરવામાં આવી હતી. કોર્ટે તેમને પાંચ દિવસની પોલીસ કસ્ટડી આપી છે. આરોપી અન્વર અફસર સૈયદ (ઉં.વ.૪૨), જાવેદ અયુબ ખાન (ઉં.વ. ૨૭), આસિફ નાસિર શેખ (ઉં.વ.૩૦), ઇકબાલ મોહમ્મદ અલી (ઉં.વ.૩૦), સુંદર રાજન શકની વેલ (ઉં.વ.૪૪), હસન સુલેમાન શેખ (ઉં.વ.૪૩), આરીફ નાસિર શેખ (ઉં.વ.૪૨), આયુબ અબ્દુલ સનાર સૈયદ (ઉં.વ.૩૨), નાસીર ઉંમર શેખ ઉર્ફે ચાચા (ઉં.વ.૫૮), અઝહર અસમત અંસારી (ઉં.વ.૩૨), હેહાન આલમ સુલતાન અહમદ અંસારી (ઉં.વ.૨૬), જિશાન ઇકબાલ શેખ (ઉં.વ.૩૪)ને પકડીને પોલીસે વધુ તપાસ આદરી છે.
આ ટોળકી પાસેથી ૧૫૧ કિલો ૩૦૫ ગ્રામ મેફેડ્રોન (એમ.ડી) કબજે કરવામાં આવ્યું છે. આમ રાષ્ટ્રીય બજારમાં એની કિંમત અંદાજે ૩૦૦ કરોડ ૨૬ લાખ રૃપિયા છે. સાકીનાકા પોલીસે ગત ૮ ઓગસ્ટના માહિતીના આધારે અન્વર સૈયદને ૧૦ ગ્રામ મેફેડ્રોન સાથે પકડયો હતો. તેણે ધારીવામાં રહેતા આરોપી જાવેદ, આસિફ, ઇકબાલ પાસેથી આ મેફેડ્રોનની ખરીદી કરી હતી. આ ત્રિપુટીની ધરપકડ કરાઇ હતી. તેની પાસે ૯૦ ગ્રામ મેફેડ્રોન મળ્યું હતું. તેમની પૂછપરછ બાદ ધારાવીના સુંદર, આયુબ, હસન શેખને ૧૦ ગ્રામ મેફેડ્રોન સાથે પકડવામાં આવ્યા હતા.
આરોપી હસન શેખ ધારાવીના આરીફ પાસેથી ડ્રગ ખરીદતો હતો.પોલીસને આરીફ હૈદરાબાદમાં હોવાની ખબર પડી હતી. પછી હૈદરાબાદથી તેને પકડીને ૧૧૦ ગ્રામ એમ.ડી. ડ્રગ, એક દેશી બનાવટની પિસ્તોલ, સાત જીવંત કારતૂસ, રૃા. ચાર લાખ રોકડ કબજે કરાઇ હતી.
દક્ષિણ મુંબઇના જે.જે માર્ગ પરિસરમાં રહેતો નાસીર ઉર્ફે ચાચા તેને મેફેડ્રોન વેચતો હતો. પોલીસે નાસીરની ૧ કિલો ૨૫૦ ગ્રામ મેફેડ્રોન સાથે ધરપકડ કરી હતી. કલ્યાણના રિહાને તેને મેફેડ્રોન આપ્યું હતું. કલ્યાણથી રેહાન અને તેના સાથીદાર અસમતને પકડવામાં આવ્યા હતા તેમની પાસેથી ૧૫ કિલો એમ.ડી. ડ્રગ મળ્યું હતું. આરોપી રેહાન નાશિકના જિશાન શેખ પાસેથી નશીલો પદાર્થ ખરીદતો હતો. આની જાણ થયા બાદ સાકીનાકા પોલીસે નાશિક સ્થિત શિંદે ગામમાં શિંદે એમ.આઇ.ડી.સી.માં દરોડા પાડયા હતા. અહી કારખાનામાં મેફેડ્રોન બનાવવામાં આવતું હતું. કારખાનામાં ૧૩૩ કિલો મેફેડ્રોન અને અન્ય સામગ્રી સહિત રૃા. ૨૬૭ કરોડની માલમત્તા મળી હી.
આરોપી જિશાન આ કારખાનામાં કામ કરતો હતો. તેના ત્રણ માલિક છે. એની માહિતી પોલીસ મેળવી રહી છે. તેઓ પકડાયા નથી. આ કેસની તપાસમાં અડચણ ઉભી ન થાય માટે વધુ માહિતી આપી શકાશે નહી, એમ સિનિયર પોલીસ ઇન્સ્પેક્ટર ગબાજી ચિમટેએ ગુજરાત સમાચારને કહ્યું હતું.