(વિશાલ મિસ્ત્રી રાજપીપળા:)નર્મદા જિલ્લાના તિલકવાડા તાલુકાની હદમાં 3 જેટલા દીપડાઓ ફરી રહ્યા હોવાની ફરિયાદ ગ્રામજનો દ્વારા વન વિભાગને કરાતા વન વિભાગે મારણ સાથે પાંજરા મૂક્યા હતા.લોકોની ફરિયાદ એવી ફરિયાદ હતી કે દિપડાઓ અમારા વિસ્તારના ગામોમાં આવી બકરા અને અન્ય પશુઓને પણ ઉઠાવી જાય છે.હવે આ જ કારણથી ગ્રામજનો ભયભીત પણ બન્યા હતા.જેથી વોરા ગામના ખેડૂતોએ વન વિભાગને રજુઆત કરતા ગોરા રેન્જ દ્વારા વોરાના અયુબ રાઠોડના ફાર્મ હાઉસના પાછળના ભાગમાં દીપડાઓને પકડવા બકરાના મારણ સાથે પીંજરૂ ગોઠવાયું હતું.
જેથી રાત્રી દરમિયાન ખુંખાર દિપડો બકરાને ખાવા પીંજરા તરફ આવ્યો હતો અને બકરા પર તરાપ મારવા જતા દિપડો પાંજરામાં પુરાયો હતો.ખૂખાર દીપડાને જોવા લોકોના ટોળે ટોળા ઉમટી પડ્યા હતા.આમ ત્રણ દીપડાઓમાંથી એક દીપડો ઝડપાયો છે જ્યારે જંગલ ખાતાના અધિકારી કહે છે કે આમ તો સાત જેટલા દીપડા છે એ દિપડાઓ આખા જંગલ વિસ્તારમાં ફરે છે.અનેકવાર ખોરાકની શોધમાં વોરા અને અન્ય ગામોમાં આવી પશુઓના શિકાર કરે છે.હાલ પકડાયેલા દીપડાને પાંજરામાં રાખી કેવડિયા સુધી ટેમ્પોમાં લઇ જઈને તેને રેસ્ક્યુ સેન્ટરમાં સારવાર આપવામાં આવશે અને ત્યારબાદ તેને દૂર જંગલમાં છોડી મુકાશે.અત્રે એ ઉલ્લેખનીય છે કે તિલકવાડાના જંગલોમાં મોટી સંખ્યામાં દીપડાઓ રહે છે અને કોતરોમાં દીપડાને ગમે તેવું વાતાવરણ હોઈ છે.વર્ષો પહેલા તિલકવાડા તાલુકામાં કંસોલી ગામમાં માનવભક્ષી બનેલા દીપડાએ એક મહિલાને અને બાળકને ફાડી ખાધા હતા.ત્યાર વન વિભાગે 5 જેટલા દીપડાને પાંજરે પૂર્યા હતા.ત્યારે હવે ફરી દીપડા આ વિસ્તારમાં દેખાવા લાગ્યા છે.જેના કારણે લોકોમાં ડરનો માહોલ થઈ ગયો હતો જોકે એક દીપડો પાંજરે પૂરાતા ગ્રામજનોએ રાહતનો શ્વાસ લીધો છે.