નર્મદા જિલ્લાના અંતરિયાળ ડેડીયાપાડા પાસે આવેલ ડુમખલ ગામની આ વાત છે બામાણિયાભાઈ પંચર બનાવી પોતાના પરિવારનું ગુજરાન ચલાવતા હતા. તેમના ત્રણ સંતાન અને પત્ની સાથે રહેતા બામણિયા ભાઈને અચાનક કેન્સરની બીમારી થઈ તેઓ ચારથી પાંચ વર્ષ બીમાર રહ્યા બાદ તેમનું અવસાન થયું કેન્સરની બીમારીમાં પિતાની લાંબી માંદગી બાદ અવસાન થતા પરિવાર નિરાધાર બન્યો. ઘરનું ગુજરાન ચલાવવાવાળું કોઈ ન હતું પરિવાર મુશ્કેલીમાં મુકાયો ત્યારે ગરીબ આદિવાસી પરિવારની દીકરી સાધના બહેને હિંમત ન હારી અને પોતાના પરિવારનું સાહસ અને સ્વાભિમાન ભેર ગુજરાન ચલાવવા મક્કમ બની અને અભ્યાસ છોડી પંચર બનાવવાનો પોતાના પિતાનો વ્યવસાય અપનાવ્યો.
જ્યારે સાધના બહેને અભ્યાસ છોડયો ત્યારે તેઓ ધો 9 માં અભ્યાસ કરી રહ્યા હતા. સાધના બહેન પોતાની આપવીતી જણાવતા રડી પડયા અને જણાવ્યું કે પપ્પાને કેન્સર હતું અને 4-5 વર્ષની માંદગી બાદ તેમનું અવસાન થયું મને ભણવાનો શોખ તો ઘણો હતો પણ સામે પોતાના મોટા ભાઈ બહેનને ભણાવવા અને પરિવારનું ગુજરાન ચલાવવાનો પડકાર હતો. જેથી અભ્યાસ છોડવો પડયો. જો હું ભણું તો મારા ભાઈ બહેનનો અભ્યાસ રહી જાય. પંચર બનાવી થોડું કમાઉ છું અને પરિવારનો ગુજરાન ચાલે છે. સાધના બહેન જ્યારે ધો 9 માં અભ્યાસ કરતા હતા ત્યારે ટાયર પંચર બનાવવાનું કામ શીખ્યું હતું પપ્પાના અવસાન બાદ સમગ્ર પરિવારની જવાબદારીનો ભાર પોતાના ખભે લઈ ટાયર બદલવા, પંચર બનાવવા , બેરિંગ બદલવી જેવું કઠિન કામ કે જે પુરુષ પણ સહેલાઈથી નથી કરી શકતા તેવું કઠિન કામ સ્વીકારી સામે આવેલી કઠિન પરિસ્થિતિને પડકાર આપ્યો અને પગભર બની જાત મેહનત કરી થોડા પૈસા કમાઈને હાલ સ્વાભિમાન ભેર પોતાના પરિવારનું ગુજરાન ચલાવે છે. હાલ બેટી બચાવો બેટી પઢાવોના નારા લગાવતી સરકારે જો આવા નિરાધાર પરિવારની મદદ કરી હોત તો પોતાના ભાઈ બહેનની સાથે સાધના પણ અભ્યાસ કરી રહી હોત પણ ખરેખર જ્યારે આવા સાચા અને જરૂરિયાત મંદ સુધી સરકારની યોજનાઓનો લાભ પહોંચે તો જ એ યોજનાઓ ખરા અર્થમાં સાર્થક સાબિત થાય નહીં તો “પાણી નું નામ ભુ” જેવી કહેવત અપને સૌ જાણીએ છીએ. હાલ સાધના બેન સરકાર પાસે મદદની પોકાર કરી રહ્યા છે. જોવું એ રહ્યું કે સાધના બહેનને મદદ મળે છે કે કેમ…? એક વાત ચોક્કસ છે વિશ્વ મહિલા દિવસે સલામ છે સાધના બેન જેવી દીકરીઓને કે જે સાચા અર્થમાં મહિલા સશક્તિકરણનું ઉદાહરણ પૂરું પાડે છે.
રાજપીપળા, આરીફ જી કુરેશી