દિનેશ અડવાણી
નર્મદા જિલ્લાના સાગબારા તાલુકાના સેલંબા ખાતે કેહવાતા દત્તક ભાઈએ પોતાને વારસાઈ અધિકારથી વંચિત રાખી સર્વે નંબર 662 અને 663ની જમીન વેચી દીધી હોવાનો આક્ષેપ સાથે લીંબીબેન જગાભાઈ મરાઠેએ નર્મદા જિલ્લા કલેકટરને લેખિતમાં રજુઆત કરી હતી.બાદ એ જમીન ખરીદનારે ત્યાં બાંધકામ ચાલુ કર્યું હતું.પોતાની રજુઆતમાં એ મહિલાએ એમ પણ જણાવ્યું હતું કે આ મામલે કોર્ટ કેસ ચાલે છે,પંચાયતે પણ બાંધકામની મંજૂરી આપી નથી તથા જમીન એનએ પણ કરાવી નથી તે છતાં બાંધકામ ચાલુ જ છે.આ ગેરકાયદેસર બાંધકામ બંધ કરાવી તોડી પાડવા વિનંતી કરી હતી.
પોતાની આ રજુઆત કરવા છતાં નર્મદા જિલ્લાના સરકારી અધિકારીઓ દ્વારા કોઈ નક્કર પગલાં ન લેવાયા હોવાના આક્ષેપ સાથે લીંબીબેન મરાઠેએ હવે પછી જો ન્યાય નહિ મળે તો ભૂખ હડતાળ પર ઉતરી જવાની ચીમકી આપતો એક પત્ર પીએમ મોદી,ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણી સહિત અન્ય હોદ્દેદારોને લખ્યો છે.એ પત્રમાં વધુમાં જણાવ્યું છે કે પંચાયતની પરવાનગી વિના થતું આ ગેરકાયદેસરનું બાંધકામ ચાલુ રાખવા નર્મદા જિલ્લાના અધિકારીઓને રાજકીય દબાણ છે.મારી પ્રથમવારની રજુઆત બાદ અત્યાર સુધી જો આ બાંધકામ રોકવા અધિકારીઓ દ્વારા આદેશ કરાયો હોય તો મને એની નકલ આપવા વિનંતી.હું ગરીબ મધ્યમ પરિવારમાંથી આવું છું,મારી પાસે કોઈ રાજકીય વગ પણ નથી.તો જ્યાં સુધી કોર્ટ કેસનો નિકાલ ન આવે ત્યાં સુધી આ બાંધકામ અટકે એવી મારી વિનંતી છે.