દિવ્યાંગોને મતદાન માટે મુશ્કેલી ન પડે અને તેમને પુરતી સુવિધા મળી રહે તે માટે નર્મદા જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી અને જિલ્લા કલેક્ટરશ્રી આઇ.કે. પટેલના માર્ગદર્શન હેઠળ જિલ્લા ચૂંટણીતંત્ર દ્વારા તા.૧૩ મી માર્ચ, ૨૦૧૯ ની સ્થિતિએ નોંધાયેલા ૨૧૮૫ જેટલાં દિવ્યાંગ મતદારોનાં મતદાન માટે વિશેષ સુવિધાઓ પુરી પાડવાની વ્યવસ્થા ગોઠવવામાં આવી છે.
તદ્અનુસાર, નર્મદા જિલ્લામાં છોટાઉદેપુર અને ભરૂચ સંસદીય મતવિસ્તારના મતદાર વિભાગોમાં તા.૨૩ મી એપ્રિલ, ૨૦૧૯ નાં રોજ યોજાનારા મતદાનના દિવસે જિલ્લામાં ૪૭૧ જેટલાં પ્રજ્ઞાચક્ષુ મતદાતાઓને તેમના મતદાન માટે માંગણી મુજબનાં ૪૦ ને સહાયકની, મુકબધિર ૨૦૩ જેટલાં મતદાતાઓને માંગણી મુજબ ૯ જેટલાં સહાયકની, આપમેળે હલન ચલન કરવામાં પડતી મુશ્કેલીઓવાળા દિવ્યાંગ- ૧૦૨૦ જેટલા મતદાતાઓ પૈકી માંગણી મુજબ ૧૭ વ્હીલચેર અને ૭ સહાયકની, જ્યારે ૭૮૩ જેટલાં અન્ય દિવ્યાંગ મતદારો પૈકી બે મતદાતાઓને માંગણી મુજબ સહાયકની સુવિધા પુરી પાડવાની વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. આમ, જિલ્લામાં કુલ- ૨૧૮૫ જેટલાં દિવ્યાંગ મતદારોને ૧૭ જેટલી વ્હીલચેર અને ૫૮ જેટલા સહાયકની સુવિધા પુરી પાડી આ દિવ્યાંગ મતદારોને તેમના મતદાન માટે જિલ્લા ચૂંટણીતંત્ર સહાયરૂપ બનશે.