ભારત સરકારના ઊર્જા મંત્રીશ્રી આર.કે.સિંઘે સ્ટેચ્યુ ઓફ યુનિટીની લીધેલી મુલાકાત
ગુજરાતના ઊર્જા મંત્રી સૌરભભાઈ પટેલ સહિત દેશભરના તમામ રાજ્યો,
કેન્દ્રશાસિત પ્રદેશના ઊર્જા મંત્રીશ્રીઓ તેમજ અન્ય મહાનુભાવોએ પણ સ્ટેચ્યુ ઓફ યુનિટીની લીધેલી મુલાકાત
અખંડ ભારતના શિલ્પી સરદાર વલ્લભભાઇ પટેલની અતિ વિરાટ પ્રતિમાના
ચરણોમાં ભાવવંદના કરતા ભારત સરકારના ઊર્જા મંત્રી આર.કે.સિંઘ સહિતના મહાનુભાવો
રાજપીપલા, આરીફ જી કુરેશી
રાજપીપલા, ભારત સરકારના ઉર્જા મંત્રી આર.કે.સિંઘ, ગુજરાત રાજ્યના ઉર્જા મંત્રીશ્રી સૌરભ પટેલ તેમજ દેશભરના તમામ રાજ્યો, કેન્દ્રશાસિત પ્રદેશના ઊર્જા મંત્રી ઓ, ઊર્જા સચિવશ્રીઓ, વીજ વિતરક કંપનીના ચેરમેનશ્રીઓ અને મેનેજીંગ ડિરેક્ટરશ્રીઓ, કેન્દ્રીય ઉર્જા સચિવશ્રી સુભાષચંદ ગર્ગ, નવીન અને પુનઃ પ્રાપ્ય ઉર્જા મંત્રાલય (MNRE) ના સચિવ આનંદકુમાર, ગુજરાત સરકારના ઉર્જા વિભાગના વરિષ્ઠ સચિવ, ગુજરાતની વિભાગીય વીજ કંપનીઓના મેનેજીંગડિરેકટર ઓ, જિલ્લા કલેકટરશ્રી આઇ.કે.પટેલ વગેરે પણ આજે નર્મદા જિલ્લાના કેવડીયા કોલોની ખાતે સ્ટેચ્યુ ઓફ યુનિટીની આ મુલાકાતમાં સાથે જોડાયા હતાં.
ભારત સરકારના ઉર્જા મંત્રી આર.કે.સિંઘે સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત લઇ અખંડ ભારતના શિલ્પી સરદાર વલ્લ્ભભાઇ પટેલ સાહેબની અતિ વિરાટ પ્રતિમાના ચરણોમાં ભાવવંદના કરી હતી. ત્યારબાદ ૪૫ માળની ઉંચાઇએ સ્ટેચ્યુ ઓફ યુનિટીની વ્યુઇંગ ગેલેરી પ્રતિમાના હદય સ્થાનેથી નર્મદા ડેમમાં ઉપરવાસમાંથી પાણીની સતત આવકને લીધે ડેમની જળ સપાટીમાં સતત થઇ રહેલા પાણીના વધારાના લીધે ડેમમાંથી પાણીના થઇ રહેલા આઉટફલોનો અદભૂત નજારો પણ માણયો હતો. તદ્દઉપરાંત વિધ્યાંચળ-સાતપુડા ગિરીમાળાનું પ્રાકૃતિક સૌંદર્ય નિહાળવાની સાથે “મા નર્મદાના” પવિત્ર દર્શન થકી અલૌકિક ઉંચાઇએ પહોંચ્યાની અનુભૂતિ કરી હતી. ત્યારબાદ સ્ટેચ્યુ ઓફ યુનિટીમાં પ્રદર્શન, લાયબ્રેરી, સરદાર સાહેબના જીવન કવનને વણી લેતી દસ્તાવેજી ફિલ્મ પણ નિહાળી હતી. તેમજ અંતમાં લેઝર શો પણ રસપૂર્વક નિહાળ્યો હતો.