સ્ટેચ્યુ ઓફ યુનિટીની મૂલાકાતથી અત્યંત પ્રભાવિત થયેલા રાષ્ટ્રીય બાળ અધિકાર સંરક્ષણ આયોગના સભ્યશ્રી ડૉ.આર.જી.આનંદ
પોષણમાહની ઉજવણી નિમિત્તે સ્ટેચ્યુ ઓફ યુનિટીના મ્યુઝીયમમાં સરદાર સાહેબની પ્રતિમા પાસે શાળાના બાળકો સાથે કુપોષણ સામે શુપોષણ અંગેના લેવડાવાયા સામૂહિક શપથ
રાજપીપલા. આરીફ જી કુરેશી
રાજપીપલા, રાષ્ટ્રિય બાળ અધિકાર સંરક્ષણ આયોગના સભ્ય ડૉ. આર.જી.આનંદે તેમની નર્મદા જિલ્લાની મુલાકાત દરમિયાન આજે સવારે કેવડીયા કોલોનીમાં સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત લઇ સ્ટેચ્યુના મ્યુઝીયમ કક્ષમાં પોષણમાહની ઉજવણી સંદર્ભે શાળાના બાળકો સાથે મુલાકાત કરી સરદાર વલ્લભભાઇ પટેલ સાહેબની પ્રતિમા પાસે કુપોષણ સામેના સુપોષણ અભિયાન અંગે સામૂહિક શપથ લેવડાવ્યાં આવ્યા હતા.
આ તકે જિલ્લા કલેક્ટર અને સ્ટેચ્યુ ઓફ યુનિટીના ચીફ એડમિનિસ્ટ્રેટર આઇ.કે.પટેલ પણ આયોગના સભ્ય ડૉ. આર.જી. આનંદ સાથે જોડાયા હતા અને સામૂહિક શપથમાં ભાગ લીધો હતો.
રાષ્ટ્રિય બાળ અધિકાર સંરક્ષણ આયોગના સભ્ય ડૉ. આર.જી.આનંદે આજે રાજપીપલામાં છોટુભાઇ પુરાણી સંકુલના આનંદ ભવનમાં આયોગ દ્વારા યોજાયેલા “બાળ અધિકારો-ફરિયાદ નિવારણ” કેમ્પના કાર્યક્રમ અગાઉ સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે પહોંચીને અખંડ ભારતના શિલ્પી સરદાર વલ્લભભાઇ પટેલની પ્રતિમા સ્થળ સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત લઇ સરદાર સાહેબની અતિ વિરાટ પ્રતિમાના ચરણોમાં ભાવવંદના કરી હતી.
ત્યારબાદ તેઓ એ ૪૫ માળની ઉંચાઇવાળી સ્ટેચ્યુ ઓફ યુનિટીની વ્યુઇંગ ગેલેરી- પ્રતિમાના હદયસ્થાનેથી નર્મદા ડેમમાં ઉપરવાસમાંથી પાણીની સતત આવકના લીધે ડેમની જળ સપાટીમાં સતત થઇ રહેલા પાણીના વધારાના લીધે ડેમમાંથી પાણીના થઇ રહેલા ઓવરફલોનો અદભૂત નજારો પણ તેમણે માણ્યો હતો. તદ્દઉપરાંત વિંધ્યાચળ-સાતપુડા ગિરીમાળાનું પ્રાકૃતિક સૌંદર્ય નિહાળવાની સાથે “મા નર્મદા” ના પવિત્ર દર્શન કર્યા હતાં. ત્યારબાદ સ્ટેચ્યુ ઓફ યુનિટી પ્રદર્શન, લાયબ્રેરી અને સરદાર સાહેબના જીવન કવનને વણી લેતી દસ્તાવેજી ફિલ્મ પણ તેમણે નિહાળી હતી.