નાંદોદના પાટણા ગામે ગટર લાઈનનું ખોદકામ કરતા પાણીની પાઇપ લાઈનો તૂટી જતા પાણીનો કકળાટ.
ગામમાં હેન્ડ પમ્પ ચાલતા નથી:ગ્રામ પંચાયત કોઈ વૈકલ્પિક વ્યવસ્થા ગોઠવે એવી માંગ ગ્રામજનોની માંગ.
(વિશાલ મિસ્ત્રી રાજપીપળા:)નાંદોદ તાલુકાના પાટણા ગામે છેલ્લા ઘણા દિવસોથી 2 બોર મોટરો બગડી ગઈ હોવાથી ત્યાંના લોકો પાણી માટે વલખા મારી રહ્યા હતા.અને એવામાં જ ગટર લાઈન માટે ખોદકામ કરતા પાણીની પાઇપ લાઈનો તૂટી જતા ગ્રામજનો છેલ્લા 5 દિવસથી પાણી માટે વલખા મારી રહ્યા છે.બીજી બાજુ પાટણા ગ્રામપંચાયત દ્વારા લગાડવામાં આવેલી બે બોર મોટરો બીજે જ દિવસે બંધ થઈ જતા બોર મોટરોમાં પણ કૌભાંડ કરાયું હોવાનું ગામ લોકો જણાવી રહ્યા છે.અને પાટણા ગ્રામપંચાયત દ્વારા થતા કામોની તપાસ કરવાની પણ માંગ કરી છે.
પાટણા ગામના યુવાન સુનિલ વસાવાએ જણાવ્યું હતું કે પાટણા ગામમાં ગટર લાઈનનું કામ ચાલી રહ્યું છે.પરંતુ આ કામગીરી આડેધડ કરાઈ રહી છે,નીચે દબાયેલી પાણીની લાઈનો પણ જોયા વિના કોન્ટ્રાકટર જેસીબી દ્વારા ખોદકામ કરી રહયા છે.એક પછી એક ફાળિયાઓમાં ચાલતી કામગીરીમાં કેટલીય લાઈનો તોડી નાખી છે સાથે મુખ્ય પાણીની લાઈન પણ તોડી નાખી છે.ગામમાં પીવાના અને ઘરકામમાં વાપરવાના પાણીની જરૂરિયાત ઉભી થઇ છે.ગામમાં બીજો એક વિકલ્પ હેન્ડપંપ છે પરંતુ તે પણ બધા બંધ છે.હાલ સત્તાધીશો કશુ કામ નથી કરી રહ્યા,આજે પાંચ દિવસ વીતિ ગયાં પછી પણ પાણીની લાઈનો જોઈન્ટ થઈ નથી.તો તાત્કાલિક ધોરણે સરપંચ અને તલાટીને વિનંતિ કે પાણીની લાઈનો જોઈન્ટ મારી પાણી ચાલુ કરશો.નહિ તો આંદોલન કરવું પડશે એવી ચીમકી પણ ઉચ્ચારી છે.