નર્મદા જિલ્લાના દરેક ગામોને ગ્રામપંચાયતનો દરજ્જો આપવા કલેકટરને રજુઆત.
નર્મદા જિલ્લામાં ભારતીય બંધારણ અને ગુજરાત પંચાયત અધિનિયમ 1993ની જોગવાઈનું ઉલ્લંઘન બે અથવા બે થી વધુ સંયુક્ત ગામોની ગ્રુપ ગ્રામપંચાયતની રચના કરવામાં આવી હોવાનો આક્ષેપ.
રાજપીપળા:ભારતના બંધારણ અને ગુજરાત પંચાયત ધારો 1993 મુજબ નર્મદા જિલ્લાના દરેક ગામોને ગ્રામ પંચાયતનો દરજ્જો આપવા નર્મદા જિલ્લા આદિવાસી મૂળ નિવાસી સંગઠને ગુજરાતના મુખ્યમંત્રી, રાજ્યપાલ,પંચાયત ગ્રામ વિકાસ અને ગ્રામ ગૃહ નિર્માણ મંત્રી સહિત ઉચ્ચ અધિકારીઓને સંબોધતુ આવેદનપત્ર નર્મદા જિલ્લા કલેકટરને સુપ્રત કર્યું છે.આ આવેદનપત્ર આપતી વેળાએ રાજપીપળા પાલિકા પૂર્વ પ્રમુખ મહેશ વસાવા,કુંવરપરા ગ્રામપંચાયત સરપંચ નિરંજન વસાવા સહિત મોટી સંખ્યામાં સરપંચો અને ગ્રામજનો ઉપસ્થિ રહ્યા હતા.
પોતાના આવેદનપત્રમાં જણાવ્યું હતું કે ગુજરાત પંચાયત અધિનિયમ 1993ની કલમ 7 ની પેટા કલમ (1) મુજબ અનુસૂચિત વિસ્તારોમાં વસાહતો,વસહતોના સમૂહો,નાના ગામો,પરાઓ,ફળિયાઓ અને મુવાડાઓને પણ સ્વતંત્ર ગામનો દરજ્જો આપવાનો રહેશે એવી કાયદાકીય જોગવાઈ કરવામાં આવી છે.ભારતના બંધારણની કલમ 243(ખ) મુજબ દરેક રાજ્યમાં ગામ કક્ષાએ ગ્રામ પંચાયતની રચના કરવા માટે જોગવાઈ કરી છે.ગુજરાત પંચાયત અધિનિયમમાં બે અથવા બે થી વધુ સંયુક્ત ગામો માટે ગ્રુપ ગ્રામપંચાયતની રચના કરવા અંગેની કોઈ જોગવાઈ કરવામાં આવી નથી.નર્મદા જિલ્લામાં ભારતીય બંધારણ અને ગુજરાત પંચાયત અધિનિયમ 1993ની જોગવાઈનું ઉલ્લંઘન બે અથવા બે થી વધુ સંયુક્ત ગામોની ગ્રુપ ગ્રામપંચાયતની રચના કરવામાં આવી છે,જે રદ્દ થવી જોઈએ.તો બીજી બાજુ આ કારણે ગ્રુપ ગ્રામ પંચાયતના ગામોના લોકો વચ્ચે ઝઘડાઓ થાય છે વિવાદ ઉભો થાય છે.સ્વતંત્ર ગામોની ગ્રામપંચાયતની સરખામણીમાં ગ્રુપ ગ્રામપંચાયતના ગામોનો ઓછો વિકાસ થયો છે.જેથી વહેલામાં વહેલી તકે નર્મદા જિલ્લાના આવા 314 ગામોને સ્વતંત્ર ગ્રામપંચાયતનો દરજ્જો મળી રહે એવી અમારી વિનંતી છે.