(વિશાલ મિસ્ત્રી રાજપીપળા)
કેવડિયા સ્થિત સરદાર સરોવર બંધનામાંથી પાણી ન છોડાતા નર્મદા જિલ્લાના 35 કિમિ વિસ્તારમાં જળપ્રવાહ નહિવત હોવાથી નર્મદા જયંતીની ઉજવણી મજબૂરીમાં બંધ રખાઈ હોવાનો વિહિપના સાધુ સંતોનો આક્ષેપ.
નર્મદા જિલ્લાની ઉત્તરવાહીની પટમાં નર્મદા નદી હાડપિંજર બનવાને કારણે આ વિસ્તારના સાધુ સંતોએ અન્ય જગ્યાએ નર્મદા જયંતી ઉજવવા જવું પડ્યું હોવાની ચર્ચાઓ.
દર વર્ષે મહાસુદ સાતમના રોજ પુણ્ય સલીલા માં નર્મદાની જયંતિ ઉજવાય છે.એ પ્રમાણે 24મી જાન્યુઆરીએ ભારતભરમાં ઠેર ઠેર નર્મદા માતાની પૂજા કરી નર્મદા જયંતીની ઉજવણી ધામધૂમથી કરાઈ હતી.ત્યારે આદિકાળથી વહેતી નર્મદા જિલ્લાની ઉત્તરવાહીનીના પટમાંથી વહેતી નર્મદા નદીના કિનારે આવેલા આશ્રમો પર પહેલી વાર એવું બન્યું કે નર્મદા જયંતિ ઉજવાઈ જ નહીં.
એનું એક જ કારણ કે નર્મદા જિલ્લાના કેવડિયા સ્થિત સરદાર સરોવર બંધમાંથી છેલ્લા 6 માસથી પાણી ન છોડાતા નર્મદા નદી સુકીભટ્ટ બની છે.જેથી જ્યાં ખળખળ વહેતી નદીમાં નર્મદા જયંતીની ધામધુમથી ઉજવણી થતી હતી એવા નર્મદા જિલ્લાના ઉત્તરવાહીની નર્મદાના કિનારે આવેલા આશ્રમો સુના દેખાયા હતા જેથી સાધુ સંતોમાં પણ નિરાશા જણાઈ છે અને એમણે નર્મદા જયંતીની ઉજવણી માટે અન્ય સ્થળો પર જવાનો વારો આવ્યો હતો.તો બીજી બાજુ જો સરકાર નર્મદા બંધમાંથી પાણી નહિ છોડે તો સદીઓથી થતી આવતી માં નર્મદાની હજારો દિવડાઓની કરાતી મહાઆરતી કદાચ લુપ્ત થશે એવું પણ માઇ ભક્તો અને સાધુ સંતોનું માનવું છે.તો એક તરફ અમુક માઇ ભક્તોએ સાંજે ફક્ત એક જ દીવો તરતો મૂકી નર્મદામાની આરતી કરી સંતોષ માન્યો હતો.
આ મામલે નર્મદા જિલ્લા વિહિપ ધર્મચાર્ય પ્રમુખ સદાનંદ મહારાજે જણાવ્યું હતું કે સરકારના વાંકે ભક્તોમાં નિરાશા છે.નર્મદા નદીમાં પાણી ન છોડાતા નર્મદા જિલ્લાના 35 કિમિ વિસ્તારમાં જળપ્રવાહ નહિવત છે.જેથી મજબૂરીમાં અમારે નર્મદા જયંતી ની ઉજવણી મોકૂફ રાખી અન્ય સ્થળો પર ઉજવણી કરવા જવું પડ્યું છે અમુક વિસ્તારોમાં તો પ્રદુષણ પણ વધ્યું છે.આ મામલે કેટલીયે વાર સરકારમાં રજૂઆતો કરી પણ સરકારે મૌન ધારણ કરી લીધું છે.