(વિશાલ મિસ્ત્રી રાજપીપળા)
નર્મદા જિલ્લાના તિલકવાડા તાલુકાની ઉતાવળી ગામની પ્રાથમિક શાળાના મુખ્ય શિક્ષક ઝવેર બારિયા અચાનક મંગળવારે શાળાની મુખ્ય કચેરીની ચાવી લઈ ગાયબ થઈ ગયા હતા.જેથી અન્ય ક્લાસરૂમો બંધ રહેતા વિદ્યાર્થીઓએ બહાર ઓટલે બેસી ભણવાનો વારો આવ્યો હતો.જેથી શાળાના શિક્ષકો અને ગ્રામજનો મુખ્ય શિક્ષક પર રોષે ભરાયા હતા.અને મુખ્ય શિક્ષક ઝવેર બારીયા નશાની હાલતમાં શાળાએ અનિયમિત આવતા હોવાની નર્મદા જિલ્લા પ્રા.શિક્ષણાધિકારીને ફરિયાદ કરી હતી.ત્યારે પ્રા.શિક્ષણાધિકારીએ ગુરુવારે મુ.શિક્ષક ઝવેર બારીયાને સસ્પેન્ડ કર્યા હોવાનું જાણવા મળે છે.
આ બાબતે નર્મદા જિલ્લા પ્રા.શિક્ષણાધિકારી બી.ડી.બારીઆએ જણાવ્યું હતું કે ઝવેર બારીયા સામેના આક્ષેપોની તટસ્થ તપાસ થાય એ માટે ફરજ પ્રત્યેની બેદરકારી માટે એમને સસ્પેન્ડ કરાયા છે.એમને સાગબારા તાલુકાના અમિયારી પ્રાથમિક શાળા હેડક્વાર્ટર ખાતે મુક્યા છે.આગામી સમયમાં એમની સામે ખાતાકીય તપાસ કરવામાં આવશે એમ જણાવ્યું હતું.તો બીજી બાજુ નર્મદા જિલ્લા પ્રા.શિક્ષણાધિકારીએ આવા અન્ય ફરજ પ્રત્યે બેદરકારી દાખવતા શિક્ષકોને શોધી કાઢવા ફરમાન જારી કર્યું હોવાનું પન નર્મદા જિલ્લા શિક્ષણ જગતમાં ચર્ચાઈ રહ્યું છે જેથી એમના કડક વલણથી અન્ય શિક્ષકોમાં ફફડાટ ફેલાયો છે.