નર્મદા ઝોન સમિતિ કે જેમાં વિવિધ જિલ્લાઓના સરંપચોનો સમાવેશ થાય છે તેમના દ્વારા નર્મદા જિલ્લાની તમામ ગ્રામ પંચાયતોમાં 15 માં નાણાપંચ યોજના અને મનરેગા યોજના, ગુજરાત પેટર્ન, એટીવીટી તેમજ શૌચાલય જેવી વિવિધ પ્રકારની સરકારની યોજનાઓને તાત્કાલિક ધોરણે વહીવટી મંજૂરી આપવા રજુઆત કરવામાં આવી હતી.
નર્મદા ઝોન સંગઠનનાં સરંપચો દ્વારા નર્મદા જિલ્લા કલેકટર દ્વારા સરકારને રજુઆત કરવામાં આવી હતી કે નર્મદા જિલ્લામાં આવેલ તમામ ગ્રામ પંચાયતોમાં 15 માં નાણાપંચની ગ્રાન્ટ છેલ્લા કેટલાક સમયથી આવી ગઇ હોવા છતાં પણ વિકાસનાં કામો આજદિન સુધી ચાલુ કરવા માટે વહીવટી મંજૂરી મળી નથી અને 15 માં નાણાપંચ બાબતે જવાબદાર અધિકારીઓ સાથે વાતચીત કરતા જાણવા મળે છે કે 15 માં નાણાપંચની ગ્રાન્ટ વપરાશ માટે સરકાર તરફથી કોઈપણ પ્રકારની ગાઇડલાઇન મળેલ નથી તેમજ 15 માં નાણાપંચની ગ્રાન્ટમાંથી પીવાનાં પાણીને લગતા કામોમાં નર્મદા જિલ્લાની ભૌગોલિક પરિસ્થિતિ દેખતા છુટી છવાઈ વસ્તી હોય બોર વીથ મોટર તથા હેડપંપ તથા મીની પાણી પુરવઠાનો સમાવેશ કરવો, 15 માં નાણાપંચમાં નાણાંકીય વહીવટી ડિજિટલ એકાઉન્ટથી નક્કી કરેલ છે પરંતુ જેના સંદર્ભે આજદિન સુધી ગુજરાતના કોઇપણ જિલ્લા કે તાલુકામાં સરપંચો અને તલાટીઓને કોઈ પણ ટ્રેનિંગ કે તાલીમ આપવામાં આવેલ નથી તેમજ આ બાબતે કોઈ માહિતગાર કરવામાં આવેલ નથી જેથી આ 15 માં નાણાપંચની નાણાકીય કામગીરી 14 માં નાણાપંચની ગાઇડલાઇન મુજબ કરવાની રહેશે, 15 માં નાણાપંચની કામગીરીમાં ગ્રામ પંચાયત તેની મુખ્ય એજન્સી રહેશે,
વધુમા નર્મદા જિલ્લાની ગ્રામ પંચાયતોમાં જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના આદેશ અનુસાર જે તે ગ્રામપંચાયતો મારફતે શૌચાલયો સમયસર બનાવી દેવામાં આવ્યા છે અને વ્યક્તિગત લાભાર્થી મારફતે પણ શૌચાલય બનાવી દેવામાં આવ્યા છે પરંતુ છેલ્લા છ-સાત મહિનાથી સદર શૌચાલયની ગ્રાન્ટ ફાળવવામાં આવી નથી.
નર્મદા જિલ્લામાં મનરેગા યોજના અંતર્ગત પણ વ્યક્તિગત લેબરનાં કામો તથા મટીરીયલ વિકાસનાં કામોની પણ વહીવટી મંજૂરી જિલ્લા લેવલથી આપવામાં આવી નથી. મનરેગા યોજના અંતર્ગત મટીરીયલ વિકાસનાં કામોને એક વ્યક્તિને લાભ મળે એ હેતુથી જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી મારફતે શ્રી જલારામ એન્ટરપ્રાઇઝને ઈ-ટેન્ડરીંગ કરવામાં આવ્યું છે જે યોગ્ય નથી. ગુજરાતનાં અન્ય જિલ્લામાં તાલુકા લેવલથી ઈ-ટેન્ડરીંગ કરવામાં આવ્યું છે માત્ર નર્મદા જિલ્લામાં જ જિલ્લા લેવલથી ઈ-ટેન્ડરિંગ કરવામાં આવ્યું છે જેના સંદર્ભમાં નર્મદા જિલ્લાની સ્થાનિક એજન્સી મારફતે અમદાવાદ હાઈકોર્ટમાં કેસ દાખલ કરવામાં આવ્યો છે જેનું નિરાકરણ ન આવે ત્યાં સુધી જૂની પદ્ધતિ પ્રમાણે રાબેતા મુજબ વિકાસનાં કામો ગ્રામ પંચાયતોમાં ચાલુ કરાવવા અને ગુજરાત પેટર્ન, એટીવીટી જેવી વિવિધ સરકારની યોજનાઓ વિકાસના કામોનાં મુદ્દાઓને ધ્યાનમાં લઇ આગળની ઘટતી કાર્યવાહી કરી વહેલી તકે સુખદ નિરાકરણ આવે એવી નર્મદા જિલ્લાનાં તમામ સરપંચો તરફથી ભલામણ કરવામાં આવી છે.
નર્મદા ઝોન સમિતિ દ્વારા વિવિધ રજુઆતો કરવામાં આવી…..ગ્રામ પંચાયતોને 15 માં નાણાંપંચનાં લાભો આપવા માંગ…
Advertisement