આ ચુકાદાથી દેશના લાખો આદિવાસી પરિવારોને અસર થશે,સરકારે પક્ષકાર તરીકે વકિલોની નિમણુંક ન કર્યાનો પણ આક્ષેપ આદિવાસીઓએ લગાવ્યો છે.
આદિવાસીઓ દ્વારા રાષ્ટ્રપતિને સંબોધીને જિલ્લા કલેકટરને આપેલા આવેદનપત્રમાં જો આ ચુકાદો રદ નહિ થાય તો આવનાર સમયમા આંદોલનની અને 17મી માર્ચે ભારત બંધ,દિલ્હી કુચ કરવાની પણ ચિમકી પણ ઉચ્ચારી.
રાજપીપળા:તાજેતરમાં જ સુપ્રીમ કોર્ટ દ્વારા દેશના 16 રાજ્યોના 11,27,446 આદિવાસી પરિવારોને જંગલ ખાલી કરવાનો એક આદેશ જારી કર્યો છે.તો સુપ્રીમ કોર્ટના આ આદેશના વિરોધમાં નર્મદા જિલ્લાના આદિવાસીઓએ મોટી સંખ્યામાં ઉપસ્થિત થઈ ભારત દેશના રાષ્ટ્રપતિને સંબોધતુ આવેદનપત્ર નર્મદા જિલ્લા કલેકટરને સુપ્રત કર્યું હતું.રાજપીપળા નગરપાલિકાના પૂર્વ પ્રમુખ ભરત વસાવાની ઉપસ્થિતિમાં આદિવાસીઓએ કલેકટરને આ ચુકાદો રદ્દ કરવાની માંગ કરી હતી.અને જો રદ્દ નહિ થાય તો ઉગ્ર આંદોલનની ચીમકી પણ ઉચ્ચારી હતી.
આદિવાસી આગેવાનોએ પોતાના આવેદનપત્રમાં જણાવ્યું હતું કે ભારત સરકારે બ્રિટિશ શાસન દરમિયાન તથા દેશની આઝાદી સમયે 5મી અને 6ઠી અનુસૂચિ ક્ષેત્રમાં વિશિષ્ટ પ્રાવધાન આપ્યું હતું.પેસા એક્ટ 1996,વન અધિકાર માન્યતા કાયદો 2006,ભૂમિ અધિગ્રહણ કાયદો 2013 સહિતના કાયદાઓ અને વિધાનોનું અધિનિયમ કરાયું હતું પણ અત્યાર સુધી આ કાયદાઓ લાગુ કરાયા નથી. દેશની આઝાદીના 72 વર્ષ પછી સરકારે પ્રાકૃતિક સંસાધનોને જબરજસ્તી છીનવી લીધું છે.સુપ્રીમ કોર્ટ દ્વારા દેશના 16 રાજ્યોના 11,27,446 આદિવાસી પરિવારોને જંગલ ખાલી કરવાનો એક આદેશ જારી કર્યો છે એ દુર્ભાગ્ય પૂર્ણ છે.આદિવાસીઓને સાંભળ્યા વગર સુપ્રીમ કોર્ટ દ્વારા ઉતાવળે આ નિર્ણય લેવાયો છે.આ ચુકાદાથી દેશના લાખો આદિવાસી પરિવારોને અસર થશે,સરકારે પક્ષકાર તરીકે વકિલોની નિમણુંક પણ નથી કરી.જો આ ચુકાદો રદ નહિ થાય તો આવનાર સમયમા ઉગ્ર આંદોલન કરાશે તથા 17મી માર્ચે ભારત બંધના એલાનને સફળ બનાવી દિલ્હી કુચ કરવાની પણ ચિમકી પણ આદિવાસીઓ ઉચ્ચારી હતી.