નડિયાદના કણજરી ગામના યુવાનને ક્રેડીટ કાર્ડના કુરિયરના પૈસા ભરવા બાબતે યુવાનની જાણ બહાર મોબાઈલનુ એક્સેસ લઇ ત્રણ ખાતામાંથી ગઠીયાએ રૂપિયા ઉપાડી લીધા છે. આ બનાવ સંદર્ભે વડતાલ પોલીસમાં ફરિયાદ નોંધાઈ છે.
નડિયાદ તાલુકાના કણજરી ગામે પ્રજાપતિ મહોલ્લામાં સુનીલ મનુભાઈ પ્રજાપતિ રહે છે. આજથી દોઢ એક મહિના પહેલા સુનીલના ફોન ઉપર ક્રેડિટ કાર્ડ જોઈએ છે તેવો ફોન આવ્યો હતો. સુનિલ આ કાર્ડ લેવા ઇચ્છતો હોય તેણે પોતાની પર્સનલ માહિતી આપી હતી આપ્યા બાદ આશરે અઠવાડિયાની અંદર તમારું ક્રેડિટ કાર્ડ તમારા સરનામાં ઉપર આવી જશે તેવું જણાવ્યું હતું. અને પહેલી નવેમ્બરના રોજ અજાણ્યા નંબર પરથી ફોન આવ્યો અને તેણે ક્રેડિટ કાર્ડનો ટ્રેકિંગ નંબર જાણવાનું કહેતા સુનિલએ ટ્રેકિંગ નંબર આપ્યો હતો.
ત્યારબાદ વ્યક્તિએ જણાવ્યું કે તમને તમારું ક્રેડિટ કાર્ડ ચાર નવેમ્બરના રોજ મળી જશે અને તમે આ નંબર ઉપર પાંચ રૂપિયા ટ્રાન્સફર કરી દેજો. સુનીલ આ નાણાં આપવા માટે પોતાના ખાતામાથી એક પછી એક એમ ત્રણ ખાતાનો ઉપયોગ કર્યો હતો. પરંતુ પાચ રૂપિયાનુ ટ્રાજેન્કશન ફેલ બતાવાતા હતા. છેલ્લે પાચ રુપિયા કપાતા તેનો સ્ક્રીનશોટ ઉપરોક્ત નંબર ઉપર મોકલી આપ્યો હતો અને આ સિવાય અન્ય નંબર પરથી ટેક્સ મેસેજ આવેલા અને જણાવેલ કે આ મેસેજ બીજો નંબર છે તેનો પર આ મેસેજ ફોરવર્ડ કરો તેવુ કહ્યું હતું.
આ બાદ ૬ નવેમ્બરના રોજ સુનીલને પોતાના બેંકના ત્રણ ખાતામાંથી જુદા જુદા રૂપિયા મળી કુલ રૂપિયા ૨લાખ ૧ હજાર ૬૫૦ રૂપિયા ડેબિટ થયેલાનું જાણવા મળ્યું હતું. જેથી સુનિલને પાક્કો વિશ્વાસ બેઠો હતો કે અજાણ્યા ૩ નંબરના ધારકોએ કુરિયરમા ક્રેડિટ કાર્ડના પૈસા ભરવા બાબતે વિશ્વાસમાં લઈ મોબાઈલનો એક્સેસ મેળવી અલગ અલગ બેંકના ખાતામાંથી નાણાં ઉપાડી લીધા હોવાનું જાણવા મળ્યું હતું. આથી આ બનાવ સંદર્ભે સુનિલ પ્રજાપતિએ વડતાલ પોલીસમાં ત્રણ નંબરના ધારકો સામે ફરિયાદ નોંધાવી છે. પોલીસે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
નરેશ ગનવાણી: નડીયાદ