જિલ્લા કલેકટર કે. એલ. બચાણીના હસ્તે મંગળવારે જિલ્લા કલેકટર કચેરી, નડિયાદના કમ્પાઉન્ડમાં પ્રાકૃતિક ખેડૂત હાટનું ઉદઘાટન કરવામાં આવ્યું. આજથી આ પ્રાકૃતિક ખેડૂત હાટ દર અઠવાડિયે સોમવારના રોજ સવારે ૧૦ થી ૧૨:૩૦ કલાક સુધી ખુલ્લી રહેશે. તથા સોમવારે જાહેર રજા હોય તો મંગળવારે પ્રાકૃતિક હાટ ખુલ્લી રહેશે. જેમાં પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતો દ્વારા ઉત્પાદિત લીલા શાકભાજી, કઠોળ, મિલેટ્સ સહિત વિવિધ કંદમૂળ અને અન્ય ખેત પેદાશોની ખરીદી કરી શકાશે.
આ પ્રસંગે જિલ્લા કલેકટરએ હાટમાં ઉપસ્થિત તમામ ખેડૂતોની મુલાકાત લઈ તેમની સાથે ખેતી વિષયક બાબતે સંવાદ કર્યો હતો. તેમજ ખેડૂતોને જરૂરી માર્ગદર્શન આપ્યું હતું. ઉપરાંત આ પ્રાકૃતિક હાટને સરસ રીતે ચલાવવા માટે ખેડૂતો પાસેથી પણ સુચનો લીધા હતા. સાથે સાથે અહી નિયમિત સ્વચ્છતા પૂરી પાડવા પણ સંબધિત અધિકારીઓને સૂચનાઓ આપી હતી. નોંધનીય છે કે કલેકટર કચેરી ખાતે દર અઠવાડિયે યોજાનાર પ્રાકૃતિક ખેડૂત હાટમાં ખેડા જિલ્લાના પીપળાતા, નરસંડા, પીપલગ્, ચકલાસી, દેથલી, અલીન્દ્રા, મલીયાતજ, પરસાતાજ, દેદરડા, સમાદરા અને જાળીયાના કુલ ૧૭ ખેડૂતો દ્વારા બાજરી, ચોખા, ઘઉં, રાજગરો, બાવટો જેવા ધાન્યો, બટાટા, રીંગણ, બીટ, પાલક અને સવાની ભાજી, વાલોર પાપડી, ભીંડા, ગલકા, સરગવા, ગીલોડા અને દુધી સહિત શાકભાજી, ચણાની દાળ, મગ દાળ, આખા મગ, તુવેર જેવા કઠોળ, ખાખરા ચોખાની પાપડી જેવી ખાદ્ય વસ્તુઓ અને મધ, ઔષધ બનાવટો તથા આયુર્વેદિક છોડનું પણ વેચાણ કરવામાં આવશે.
આ કાર્યક્રમમાં અધિક નિવાસી કલેકટર બી.એસ. પટેલ, આત્મા પ્રોજેક્ટ ડાયરેક્ટર જે.એચ. સુથાર, જિલ્લા ખેતીવાડી અધિકારી ડી.એચ. રબારી, નડિયાદ પ્રાંત અધિકારી, મહુધા પ્રાંત અધિકારી સહિત અન્ય અઘિકારીઓ અને પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતો હાજર રહ્યા હતા.
નરેશ ગનવાણી : નડિયાદ