ખેડા જિલ્લાના દેથલી ગામની સીમમાં ડભોઉ-નાદોલી રોડ પર કારે મોટરસાયકલને ટક્કર મારતાં મોટરસાયકલ ચાલકનું ઘટના સ્થળે મોત નિપજયું છે. જ્યારે પાછળ બેઠેલા વ્યક્તિને ઈજા પહોંચતા સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે. આ બનાવ મામલે લીંબાસી પોલીસમાં ફરિયાદ નોંધાઈ છે.
આણંદ જિલ્લાના બોરીયાવી કલ્યાણવાડી સામે ભઈજીપુરાના હસમુખભાઈ ઈશ્વરભાઈ રાઠોડ ૧૯ મી નવેમ્બરના રોજ પોતાની પત્ની તથા સાળો એમ ત્રણેય સાથે તેઓની સાસરી સોજીત્રાના ત્રંબોવડ ગામે ગયા હતા. ગઇકાલે હસમુખભાઈ ઈશ્વરભાઈ રાઠોડ અને તેમના ફોઈ સાસુનો દીકરો રાજેન્દ્રભાઈ ભુપતભાઈ સોલંકી બંને લોકો મોટર સાયકલ પર ખેડા તાલુકાના પાણસોલી ગામે રહેતા પોતાના સંબધીને ત્યાં ખબર અંતર કાઢવા જતા હતા. દરમિયાન હસમુખભાઈ રાઠોડ બાઈક ચલાવતા હતા અને માતર તાલુકાના દેથલી ગામની સીમમાં ડભોઉથી નાંદોલી તરફ જવાના રોડ ઉપરથી પસાર થઈ રહ્યા હતા. ત્યારે સામેથી પુર પાટે આવતી અલ્ટો કારે ઉપરોક્ત મોટરસાયકલને જોરદાર ટક્કર મારતાં મોટરસાયકલ ચાલક હસમુખભાઈ રાઠોડ અને પાછળ બેઠેલા રાજેન્દ્રભાઈ સોલંકી બંને લોકો રોડ ઉપર પટકાયા હતા. જેના કારણે આ હસમુખભાઈને શરીરે ગંભીર ઇજાઓ પહોંચતા સ્થળ ઉપર મોત નીપજ્યું હતું. જ્યારે રાજેન્દ્રભાઈ સોલંકીને સારવાર અર્થે ૧૦૮ મા કરમસદની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. આ બનાવ સંદર્ભે મરણ જનારના મોટાભાઈ ભરતભાઈ ઈશ્વરભાઈ રાઠોડએ લીંબાસી પોલીસમાં કારચાલક સામે ફરિયાદ નોંધાવી છે.
નરેશ ગનવાણી : નડિયાદ