જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ, જિલ્લા ન્યાયાલય નડીઆદના ચેરમેન અને મુખ્ય જિલ્લા ન્યાયાધીશ માનનીય એ આઈ. રાવલની સુચના અને માર્ગદર્શન અનુસાર વિશેષ આયોજન અંતર્ગત દીવાળીનાં તહેવાર નિમિત્તે નડીઆદ સ્થિત મૈત્રી સંસ્થાનાં દિવ્યાંગ બાળકોને પ્રોત્સાહિત કરવાનાં હેતુસર તેઓ દ્વારા બનાવવામાં આવેલ કલાત્મક દીવડા, તોરણ, ઘર-સજાવટ અને સુશોભનની વિવિધ વસ્તુઓનું પ્રદર્શન સહ વેચાણનો કાર્યક્રમ જિલ્લા ન્યાયાલય નડીઆદનાં મિડીએશન સેન્ટર પાસે યોજવામાં આવેલ. આજનાં પ્રદર્શન સહ વેચાણ કાર્યક્રમમાં મૈત્રી સંસ્થાનાં ડાયરેક્ટર મેહુલ પરમાર તેમની સંસ્થાના તમામ દિવ્યાંગ બાળકોને સાથે તેમનાં દ્વારા તૈયાર કરવામાં આવેલ કલાત્મક દીવડા, તોરણ, ઘર-સજાવટ અને સુશોભનની વિવિધ વસ્તુ સાથે હાજર રહ્યાં હતાં. આ બાળકોને પ્રોત્સાહિત કરવા માટે જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ જિલ્લા ન્યાયાલય નડીઆદના ચેરમેન અને મુખ્ય જિલ્લા ન્યાયાધીશ માનનીય એ આઈ. રાવલ સહિત જિલ્લા ન્યાયાલય નડીઆદ ખાતેના તમામ માનનીય ન્યાયાધીશઓ નડીઆદ બાર એસોસિયશનના પ્રમુખ અનિલ ગૌતમ અને કારોબારી સભ્યો સહિત તમામ વકીલઓ, કોર્ટેમાં આવેલ પક્ષકારો સહિત મોટી સંખ્યામાં સૌ નાગરિકો મુલાકાત અને ખરીદી કરી બાળકોને પ્રોત્સાહન આપ્યું હતું.
આજનાં આ દિવ્યાંગ બાળકો દ્વારા બનાવવામાં આવેલ કલાત્મક દીવડા, તોરણ, ઘર-સજાવટ અને સુશોભનની વિવિધ વસ્તુઓનું પ્રદર્શન સહ વેચાણ કાર્યક્રમનું સમગ્ર સંચાલન અને વ્યવસ્થા જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ જિલ્લા ન્યાયાલય નડીઆદના ફુલ ટાઈમ સેક્રેટરી ડી બી. જોષી દ્વારા કરવામાં આવ્યું હતું. જેમાં મોટી સંખ્યામાં લોકોએ મુલાકાત અને ખરીદી કરીને આ કાર્યક્રમને સફળ બનાવ્યો હતો.
નરેશ ગનવાણી : નડિયાદ