વડતાલ શ્રી સ્વામિનારાયણ સંપ્રદાયના તીર્થધામ વડતાલ ખાતે આગામી વર્ષે ઉજવાનાર શ્રીલક્ષ્મીનારાયણ દેવ દ્વિશતાબ્દી મહોત્સવ અંતર્ગત મંદિરમાં બિરાજતા દેવોને તા.૧૩ નવેમ્બર ર૦ર૩ ને સોમવારના રોજ બપોરે ૧૧ કલાકે ર૧ હજાર કિલો વાનગીઓનો અન્નકુટ ધરાવવામાં આવનાર હોવાનું મંદિરના કોઠારી ર્ડા.સંતવલ્લભદાસજી સ્વામીએ જણાવ્યું હતું. અન્નકુટ આડે હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે મંદિરનું ભોજનાલય અન્નકુટ પ્રવૃતિથી ધમધમી રહ્યું છે. ર૦ રાજસ્થાની રસોઈયાઓ સાથે ચરોતર સહિત, વડોદરા, સુરત, અંકલેવરના રપ૦૦ સ્વયં સેવક ભાઈ – બહેનો સેવામાં જોડાયા છે. સાથે-સાથે ભંડાર વિભાગના ઉમેદભાઈ મોહનભાઈ પરમાર, વિશાલ પટેલ સહિતના ૧૦ કર્મચારીઓ ખડેપગે સેવા આપી રહ્યા છે.
ડો.સંત સ્વામીએ વધુમાં જણાવ્યું હતું કે દેવોને નૂતનવર્ષે ધરાનાર અન્નકુટનું વજન ૨૧ હજાર કિલો એટલે કે ૧૦પ૦ મણ છે. જેમાં ૧૧ હજાર કિલો વિવિધ મીઠાઈ, પ૩૦૦ કિલો ફરસાણ, ૧૭૦૦ કિલો બિસ્કીટ સહિત બેકરી વાનગીઓ, રહજાર કિલો વિવિધ શાકભાજીઓ સહીત ભીની વાનગીઓ ૧ હજાર કિલો ફળયળાદિ અને વિવિધ મુખવાસ. આ મહાપ્રસાદ વડતાલ તાબા હેઠળ આવતા ગામો તથા નાના-મોટા મંદિરો સુધી આ મહાપ્રસાદ પહોચાડાશે. વડતાલ તાબાના મંદિરો અને ૧ હજાર ઉપરાંત ગામોમાં વડતાલના ૪૦ સંતો અને ૧૦૦ હરિભક્ત સ્વયંસેવકો ૩પ વાહનો દ્વારા અન્નકુટ પ્રસાદનું વિતરણ કરશે. પ્રસાદ સાથે કાર્તકી સમૈયાની પત્રિકા અને મેગેઝીનનું વિતરણ થશે.
નરેશ ગનવાણી : નડિયાદ