નડિયાદ બિલોદરા જેલમાં કાચા કામના આરોપીએ ગળે ફાંસો ખાઈને આપઘાત કર્યો છે. પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી
હાથ ધરી છે. નડિયાદ બિલોદરા જેલમાં આણંદથી ટ્રાન્સફર કરાયેલ આરોપી અમિત ગુલાબસિંહ મકવાણા, (ઉ. વ,૧૮) ને બેરેક નંબર ૪ માં રાખવામાં આવ્યો હતો. બેરેકની પાછળ આવેલા ઝાડ સાથે ગળે ફાંસો ખાઈને જીવન ટૂંકાવી લીધું છે. બનાવની જાણ ઈન્ચાર્જ જેલરને થતા તેઓ ઘટના સ્થળે દોડી ગયા હતા અને નડિયાદ રૂરલ પોલીસને જાણ કરતા પોલીસ ઘટના સ્થળે આવી ગઈ હતી. લાશને ઝાડ પરથી નીચે ઉતારી પંચ કેસ કર્યા બાદ પીએમ માટે મોકલી આપી હતી. જેલમાં ગળે ફાંસો ખાનાર અમિત મકવાણા સામે ભાદરણ પોલીસ સ્ટેશનમાં બળાત્કારનો ગુનો નોંધાયો હતો. તેને પાંચ નવેમ્બર ૨૦૨૩ ના રોજ ટ્રાન્સફર વોરંટ પરથી નડિયાદ નજીક બિલોદરા જેલમાં લાવવામાં આવ્યો હતો. અમિત મકવાણાએ કયા કારણસર ગળે ફાંસો ખાધો એ પ્રશ્ન મહત્ત્વનો બન્યો છે. એવી પણ ચર્ચા ચાલે છે કે તેને કોઈ મળવા આવ્યો હોય અને માનસિક ટોર્ચર આપ્યો હોય તેના કારણે આ
પગલું ભર્યું હોવાની શક્યતા તેજ બની ગઈ છે.
નરેશ ગનવાણી : નડિયાદ