નડિયાદ શહેરના જવાહર નગર વિસ્તારમાં રહેતા ૨૦ વર્ષીય યુવક પાસેથી જિલ્લા ક્રાઇમ બ્રાન્ચે ૫૬ મોબાઇલ રૂ. ૧૩ લાખ.૩૨ હજારના મુદ્દામાલ સાથે ઝડપી પાડયો છે.
જિલ્લા ક્રાઇમ બ્રાન્ચ ટીમ સાથે શહેરના જવાહર નગર વિસ્તારમાં નાઇટ પેટ્રોલીંગમાં હતા તે દરમ્યાન બાતમી મળી હતી જેના આધારે પોલીસે એક શખ્સની શંકાના આધારે તલાશી લેતા યુવક પાસે રહેલી સ્કૂલ બેગમાં કુલ-૫૬ મોબાઇલ મળી આવ્યા હતા. પોલીસે પુછપરછ કરતા પોતાનું નામ દેવાભાઇ ઉર્ફે દેવો રમેશભાઇ મકરાણી નટ મારવાડી ઉ.વ.૨૦ રહે, શાસ્ત્રીનગર, જવાહરનગર સિંધી સ્કુલ પાછળ નડીયાદ જણાવ્યું હતું પોલીસે મોબાઇલના આધાર પુરાવા માંગતા કોઇ સંતોષકારક જવાબ આપ્યો ન હતો. જેથી પોલીસે સઘન પૂછપરછ કરતા મહારાષ્ટ્ર રાજ્યના પૂણે, વડોદરા અને અમદાવાદમાં અલગ અલગ વિસ્તારમાંથી ચોરી કરી હતી. જેમાં તે વહેલી સવારે ચાર વાગ્યાથી છ વાગ્યાના દરમિયાન જે રહેણાંક મકાનની ખુલ્લી બારીમાં રહેલા મોબાઇલ તેમજ ખુલ્લા દરવાજા હોય તેમાં પ્રવેશ કરી મોબાઇલ ચોરતો હોવાનુ જણાવ્યુ હતુ. આ બનાવ અંગે જિલ્લા ક્રાઇમ બ્રાન્ચે કુલ ૫૬ મોબાઇલ રૂ ૧૩.૩૨ લાખનો મુદ્દામાલ જપ્ત કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
નરેશ ગનવાણી : નડિયાદ