નડિયાદમાં ગુરૂવાર સવારે સ્મશાનના લાકડાના રૂમમાં આગ લાગી હતી. આગ લાગવાનું ચોક્કસ કારણ જાણવા મળ્યું નથી. આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નહોતી. નડિયાદ ફાયરબ્રિગેડની ટીમે એક કલાકની ભારે જહેમત બાદ પાણીનો છંટકાવ કરી આગ પર કાબુ મેળવ્યો છે.
નડિયાદમાં કમળા જીઆઈડીસીમાં આવેલ સ્મશાનની ઓરડીમાં જ્યાં લાકડા મુકેલ હતાં તે જગ્યાએ આજે સવારે એકાએક કોઈ કારણસર આગ લાગી હતી. સૂકા લાકડા હોવાનાં કારણે આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું. ભારે ધૂમાડા નિકળતા આસપાસના લોકોએ તુરંત નડિયાદ ફાયરબ્રિગેડને કોલ કરી જાણ કરી હતી. તુરંત ફાયરબ્રિગેડની ટીમ સ્થળ પર પહોંચી ગઇ હતી અને પાણીનો મારો ચલાવી એક કલાકની ભારે જહેમત બાદ આગ સંપૂર્ણ પણે કાબૂમાં આવી હતી. આગ લાગવાનું કારણ અકબંધ રહ્યું છે. સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિ સર્જાઈ નહોતી. સ્મશાનમાં લાકડા મુકવાની રૂમમાં આગના બનાવથી લાકડા બળીને ખાખ થઇ ગયા છે.