નડિયાદમાં રાવણ દહન જોવા આવેલી પરિણિતા રસ્તો ભૂલી જતાં એક ટ્રકમાં બેસી કપડવંજ રોડ પહોંચી ગઇ હતી. જ્યાં બિલોદરા ગામના એક વ્યક્તિએ પરિણીતાને તેના ગામ મૂકી જવાનું કહી કારમાં બેસાડી કાર અવાવરુ જગ્યા પર લઈ જઈ મહિલા અને તેના બાળકને જાનથી મારી નાખવાની ધમકી આપી દુષ્કર્મ ગુજાર્યું હતું. સમગ્ર મામલે નડિયાદ રૂરલ પોલીસ મથકે ગુનો નોંધાતા પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથધરી છે.
પરિણીતાએ ફરિયાદ નોંધાવી હતી કે, હું દશેરાએ સાંજે મારા દોઢ વર્ષના દીકરા સાથે હેલીપેડ ગ્રાઉન્ડ પર રાવણ જોવા આવી હતી. કાર્યક્રમ બાદ ભીડ હોવાથી ઘર તરફના રસ્તા બદલે બાજુમાં આવેલા એક્સપ્રેસ હાઇવે પર જતી રહી હતી. ત્યાં એક ટેમ્પો આવતા તેમા બેસી ગઇ હતી. દરમિયાન ટેમ્પો ચાલકે મને પૂછ્યું હતું કે ક્યાં જવાનું છે તો મે ગામનું નામ આપતા તેણે કહ્યુ હતું કે આ રસ્તો અમદાવાદ જાય છે. હુ તમને કપડવંજ રોડ ઉતારી દઉ છુ, ત્યાંથી તમે બિલોદરા ચોકડી જતા રહેજો. ત્યાંથી વાહન મળી જશે. હું બિલોદરા ચોકડી કપડવંજ રોડ પર ઉતરી ગઇ હતી ત્યાં મારી નજર એક લારી પર પડતા ત્યાં પહોંચી લારીવાળા ભાઇને મેં ગામનો રસ્તો પૂછતી હતી ત્યારે લારી પર હાજર સોમા સોઢા નામના ઈસમે કહ્યું હતું કે મારે ડાકોર તરફ જવાનું છે, તો હું તમને સલુણ ઉતારી દઈશ. મને કારમાં બેસાડી તેનુ નામ સોમા સોઢા હોવાનું અને તે બિલોદરાનો રહેવાસી હોવાનું જણાવ્યું હતું. થોડીવાર બાદ આગળ જતાં ચાલુ કારે તેણે મારી સાથે શારીરિક અડપલાં કરવાનુ શરૂ કરતા મે તેને આમ ન કરવા પણ કહ્યું હતું મે તેનો હાથ પકડી લેતા મને લાફા મારિયો હતો અને મારા દીકરાને મારી પાસેથી ખેંચી પાછળની સીટમાં ફેંકી દીધો હતો તેણે મને કહ્યુ હતું કે તું મને ગમી ગઈ છુ, જેથી મને શરીર સંબંધ બાંધવા દે અને તેણે કારને અવાવરૂ વિસ્તારમાં લઇ જઇ કાર ઉભી કરી દીધી અને મને ધમકી આપી હતી કે જો તું મને શરીર સંબંધ નહીં બાંધવા દે તો તને અને તારા છોકરાને જાનથી મારી નાખીશ અને બંનેની લાશોને દુર નાખી આવીશ. મે તેને વારંવાર આમ ન કરવા ના પાડી, મે તેને આજીજી કરી, વિનંતી કરી, તેને કહ્યું કે મારી સાથે આવું ન કરો પણ તેને દુષ્કર્મ ગુજાર્યું હતુ. બાદમાં મને અને મારા દીકરાને કારમાંથી નીચે ઉતારી ત્યાંથી જતો રહ્યો હતો. આરોપી સોમા સોઢાની મોડી સાંજે પોલીસે અટકાયત કરી લીધી હતી.
દુષ્કર્મ ગુજારનાર આરોપી સોમાભાઈ સોઢાને અગાઉ બિલોદરા મારામારી ૧૦ વર્ષની સજા થઇ હતી. જેથી તે લાંબા સમયથી જેલમાં હતો પરંતુ થોડા સમય અગાઉ બંને પક્ષ વચ્ચે સમાધાન થતા તેને પેરોલ પર જેલમાંથી બહાર આવ્યો હતો.
નરેશ ગનવાણી : નડિયાદ