નડિયાદ તાલુકા પંચાયતનું સને ૨૦૨૧-૨૦૨૨ નું સુધારેલ અને સને ૨૦૨૨-૨૦૨૩ નું અસલ અંદાજપત્ર પ્રમુખ સંજયસિંહ મહીડા દ્વારા રજુ કરવામાં આવ્યું હતું. બજેટ રજૂ કરતાં પ્રમુખે જણાવ્યું હતું કે ચાલુ વર્ષ દરમ્યાન આપણા નાણાકીય સ્ત્રોત મર્યાદિત હોવા છતાં વિકાસના તમામ ક્ષેત્રે તાલુકાના ગ્રામ્ય વિસ્તારોનો સમતુલીત વિકાસ અને સારાં કામો થાય તે રીતે અગ્રીમતા અપાઇ રહી છે. વધુમાં ચાલુ વર્ષે તથા આગામી વર્ષમાં ૧૫-ટકા વિવેકાધીન, ૫ ટકા પ્રોત્સાહક, રાજય / સંસદસભ્યના ગ્રાન્ટ કામો, ધારાસભ્ય ગ્રાન્ટ કામો, એટીવીટીના કામો, બક્ષીપંચ, ગ્રામ્ય વિકાસના આવાસનના કામો થકી રાજય સરકારના વિકાસના કામોનું શાળાના આયોજન છે. ચાલુ વર્ષે ગ્રામ્ય કક્ષાએ પીવાના પાણીની સુવિધા, રસ્તા, ગટર લાઇન, ગ્રામ પંચાયતના સ્ટ્રીટ લાઇટના કામો તેમજ પ્રાથમિક શાળાઓમાં કમ્પાઉન્ડ વોલ, ચોગાનમાં શૈક્ષણીક પેવર બ્લોકના કામો, શાળા શૌચાલય સફાઇ, ઉપરાંત પ્રવેશોત્સવ તેમજ શિક્ષણની ગુણવતા સુધારવાનું કામ સૌના સહયોગથી કરી શક્યા છીએ.
આમ તાલુકા પંચાયતના સને ૨૦૨૨-૨૦૨૩ ના અસલ અંદાજપત્રમાં સ્વભંડોળની કુલ અંદાજીત એકંદર આવક રૂા.૩૦૦.૦૬ લાખની સામે રૂા.૧૫૭.૨૧ લાખ ખર્ચ અંદાજવામાં આવેલ છે. વર્ષના અંતે રૂા.૧૪૨.૮૫ લાખની પુરાંત અંદાજવામાં આવેલ છે. આ ઉપરાંત જીલ્લા પંચાયત / રાજય સરકારની તબદીલ થયેલ પ્રવૃતિઓ માટે રૂા.૧૧૫૦૨.૭૦ લાખનો એકંદર આવક / ખર્ચ અંદાજવામાં આવેલ છે.
નરેશ ગનવાણી : નડિયાદ