આંતરરાષ્ટ્રીય મિલેટ વર્ષ – ૨૦૨૩ ની ઉજવણીના ભાગરૂપે ખેડા જિલ્લામાં માતર તાલુકામાં આવેલી એન.સી.પરીખ હાઈસ્કૂલ ખાતે કેન્દ્રીય રાજ્યકક્ષા સંચારમંત્રી દેવુસિંહ ચૌહાણની અધ્યક્ષતામાં કૃષિ મેળો યોજાયો હતો. કેન્દ્રીયમંત્રી એ જણાવ્યું કે, આજના સમયમાં રાસાયણિક પાકના કારણે શરીર કેટલાક પ્રકારના રોગોનો શિકાર બન્યો છે. આવનારા સમયમાં નાગરિકો પોતાના જીવનમાં રાગી, કોદરી, બાવટો, બાજરી જેવા મિલેટ ધાન્ય પાકોને પોતાના રોજિંદા જીવનમાં અપનાવી લેશે ત્યારે નાગરિકોને જીવનમાં માંદગીનો સામનો કરવો પડશે નહિ. ભારતના વડાપ્રધાને વિશ્વને આંતરરાષ્ટ્રીય મિલેટ વર્ષ – ૨૦૨૩ ની ઉજવણી આ વર્ષે કરવાની કહી છે. અને સમગ્ર વિશ્વ આ વર્ષને મિલેટ વર્ષ-૨૦૨૩ તરીકે ઉજવી પણ રહ્યો છે. વિશ્વના લોકો આપણી સંસ્કૃતિના ધાન્ય પાકો પોતાના રોજિંદા જીવનમાં લઇ રહ્યા છે. વધુમાં મંત્રીએ સમગ્ર નાગરિકોને પોતાના જીવનમાં મિલેટ ધાન્યોને સ્વીકારવા અને વધુને વધુ લોકો આ ધાન્ય પાકો જીવનમાં અપનાવી તંદુરસ્ત જીવન જીવી શકે તે અંગે વિનંતી કરી હતી.
વધુમાં મંત્રી એ જણાવ્યું કે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી એ આ મીલેટ્સ ધાન્યોને “શ્રી ધાન્ય” કહ્યું છે. બાજરી, રાગી, કોદરી, બાવટો, મનુષ્ય દેહ માટે ફાયદાકારક છે એટલા માટે આ પાકોને વડાપ્રધાનએ મિલેટ્સ પાકો કહ્યા છે. માતરના ધારાસભ્ય કલ્પેશભાઈ પરમારે જણાવ્યું કે, આજના સમયમાં નાગરિકોમાં ડાયાબિટીસની સમસ્યા મુખ્ય છે. એનું મુખ્ય કારણ રાસાયણિક ખાણ-પીણ છે. ખેડૂતો વધુ પાક મેળવવાની લાલશામાં રાસાયણિક ખેતી તરફ વળ્યાં છે. ગુજરાતના રાજ્યપાલ આચાર્ચ દેવવ્રતએ ખેડૂતોને રાસાયણિક ખેતી છોડી પ્રાકૃતિક ખેતી અપનાવવા વિનંતી કરી છે. વધુમાં ધારાસભ્યએ ખેડૂતોને પોતાના ખેતરમાં પ્રાકૃતિક ખેતી અપનાવવા વિનંતી કરી હતી.
આ કાર્યક્રમમાં કેન્દ્રીય મંત્રી દ્વારા મીલેટ્સની ખેતી કરતા પાંચ લાભાર્થીઓને સન્માનિત કર્યા હતા સાથે અન્ય પાંચ લાભાર્થીઓને સાધન સહાય યોજનાનું લાભ આપવામાં આવ્યું હતું. તેમજ કાર્યક્રમમાં પરંપરાગત માધ્ય્મ ભવાઈ દ્વારા લોકોને રાસાયણિક ખેતી છોડી પ્રાકૃતિક ખેતી અપનાવવા ભવાઈ ભજવવામાં આવી હતી. ત્યારબાદ કેન્દ્રીયમંત્રી દેવુસિંહ ચૌહાણ અને માતરના ધારાસભ્ય કલ્પેશભાઈ પરમાર દ્વારા મીલેટ્સની વાનગીઓ ટેસ્ટ કરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં માતરના ધારાસભ્ય કલ્પેશભાઈ પરમાર, પૂર્વ ધારાસભ્ય કેસરીસિંહ સોલંકી, તાલુકા પંચાયત પ્રમુખ અમિતભાઇ મકવાણા, તાલુકા પંચાયતના ઉપપ્રમુખ રાવજીભાઈ સોલંકી, ભાજપ માતર સંગઠન મંત્રી જનકસિંહ ઝાલા, જિલ્લા ખેતીવાડી અધિકારી ડી.એચ.રબારી, પ્રોજેક્ટ ડાયરેક્ટર આત્મા જીતેન્દ્રભાઈ સુથાર, માતરના મામલતદાર વી.પી પુરોહિત તેમજ જિલ્લાના અધિકારીઓ કર્મચારીઓ અને મોટી સંખ્યામાં ખેડૂતો હાજર રહ્યા હતા.
ખેડા : કૃષિ મેળામાં કેન્દ્રીય સંચારમંત્રી દ્વારા મીલેટસની ખેતી કરતા ખેડૂતોને સન્માનિત કર્યા
Advertisement