આજરોજ રોજ ખેડા જિલ્લામાં વડતાલ ખાતે કેન્દ્રીય સંચાર રાજ્યમંત્રી દેવુસિંહ ચૌહાણના વરદ હસ્તે નવીન વડતાલ પોલીસ સ્ટેશનનો લોકાર્પણ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. કાર્યક્રમમાં વડતાલ પોલીસ સ્ટેશનના પ્રાંગણમાં દીપ પ્રાગટ્ય કરી શરૂઆત કરવામાં આવી હતી અને ઉપસ્થિત મહાનુભાવોને છોડ આપી સ્વાગત કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે કેન્દ્રીય સંચાર મંત્રી દેવુસિંહ ચૌહાણ એ જણાવ્યું હતું કે સેવા, સુરક્ષા અને શાંતિના મંત્ર સાથે પોલીસ વિભાગમાં ખૂબ પરિવર્તન આવ્યું છે. ગુજરાતની ધરતીને શાંતિપ્રિય ધરતી માનવામાં આવે છે અને ગુજરાત આજે આખા દેશમાં ગ્રોથ એન્જિન બન્યું છે. લોકાભિમુખ વહીવટમાં ગૃહ વિભાગનું ઘડતર પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના માર્ગદર્શન હેઠળ થયું છે. અન્યાયની વ્યવસ્થા સામે ન્યાયની વ્યવસ્થા ઉભી કરી છે. ગુજરાતમાં સૌથી ઓછો ક્રાઈમ રેટ ખેડા જિલ્લાનો છે.
ખેડા જિલ્લા પોલીસ વિભાગ દ્વારા સમાજ વચ્ચે જઈને સમાજનું પરિવર્તનનું કામ, સમાજના સાથી, સમાજના મિત્ર બની વડતાલ પોલીસ સ્ટેશનનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે. વધુમાં તેઓએ ખેડા જિલ્લા પોલીસ વિભાગ દ્વારા કરવામાં આવેલ મહિલાઓ માટે સેવાકીય કામગીરી અને મહિલાઓને આર્થિક રોજગારી અપાવવાની કામગીરીને બિરદાવી હતી. આ પ્રસંગે નડિયાદ વિધાનસભાના ધારાસભ્ય પંકજ દેસાઈએ જણાવ્યું હતું કે વડતાલ ધામ એ ભારત દેશનું સુપ્રસિદ્ધ યાત્રાધામ મંદિર છે. અહી જે પણ પ્રશ્ન બનશે તે માટે વડતાલ પોલીસ સ્ટેશન દ્વારા પ્રજાના મિત્ર બની નાગરિકોના પ્રશ્ન ઉકેલવામાં આવશે અને જુદા જુદા કાર્યક્રમો થકી સીધી વાતચીત થાય તેવી કામગીરી કરવામાં આવશે. આ પ્રસંગે અમદાવાદ પોલીસ મહા નિરીક્ષક પ્રેમવીર સિંહએ જણાવ્યું કે વડતાલ પોલીસ સ્ટેશન થકી કાયદો અને વ્યવસ્થાનો નાગરિકોને લાભ થશે. પ્રજાના સુખ અને દુઃખમાં પોલીસ વિભાગ દ્વારા હમેશાં પડખે ઊભા રહી કામગીરી કરવામાં આવે છે. અસામાજિક તત્વો પર કડક કાર્યવાહી કરવામાં આવશે. વડતાલ પોલીસ સ્ટેશનમાં ૮ ગામડાઓ એક નગરપાલિકાનો સમાવેશ કરવામાં આવ્યો છે. તેમજ ૧ પી.આઇ, ૧ પી.એસ.આઇ અને ૫૭ પોલીસ સ્ટાફની નિમણૂક કરવામાં આવી છે. આ ઉપરાંત નિમણૂક પામેલ વડતાલ પોલીસ સ્ટેશનના પી. આઈ આર. કે પરમારને આ શુભારંભ પ્રસંગે અભિનંદન પાઠવ્યા હતા.
વધુમાં તેઓએ જણાવ્યું કે સ્વયંસિદ્ધા યોજના થકી અધિક્ષક ખેડા જિલ્લા પોલીસ વિભાગ દ્વારા ૨૫૦ થી વધુ મહિલાઓને નાણાકીય સુવિધાઓ આપીને રોજગાર માટેના પ્રયાસો કરવામાં આવેલા છે. તેમજ મૈત્રી યોજના થકી પોલીસ અધિક્ષક ની ઓફિસમાં નાગરિકો માટે કોલ સેન્ટર બનાવવામાં આવેલ છે જ્યાં નાગરિકો ને પોલીસ વિભાગ દ્વારા મળેલ પ્રત્યુતરનો ફિડબેક લેવામાં આવે છે.
જિલ્લા પોલીસ અધિક્ષક રાજેશ ગઢીયાએ જણાવ્યું હતું કે આ પોલીસ સ્ટેશન દ્વારા જાહેર જનતાના સુખાકારીમાં વધારો કરવા તેમજ કાયદો અને વ્યવસ્થાને વધુ સુદ્રઢ બનાવવા માટે પોલીસ વિભાગ હંમેશા પ્રજા માટે કાર્યરત રહેશે. નાયબ પોલીસ અધિક્ષક વી. આર. બાજપાઈ દ્વારા કાર્યક્રમના અંતે આભારવિધિ વ્યકત કરવામાં આવી હતી. આ ઉપરાંત કાર્યક્રમના અંતે ઉપસ્થિત મહાનુભાવો દ્વારા વડતાલ પોલીસ સ્ટેશનના પ્રાંગણમાં વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું.
ઉલ્લેખનીય છે કે વડતાલ પોલીસ સ્ટેશનમાં કુલ-૦૮ ગામ અને એક નગરપાલીકા વિસ્તારનો સમાવેશ કરવામાં આવ્યો છે જેમાં ચકલાસી પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી વડતાલ, નરસંડા, રાજનગર, ભુમેલ, ઉત્તરસંડા, ફતેપુરા સહીતના ગામ અને તેના પરા સહીત વિસ્તાર તથા કણઝરી નગરપાલીકા વિસ્તારનો સમાવેશ કરવામાં આવ્યો છે. નડિયાદ રૂરલ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ગુતાલ ગામ અને વસો પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી વલેટવા ગામનો સમાવેશ કરવામાં આવ્યો છે. વડતાલ પોલીસ સ્ટેશનમાં કુલ ૦૮ ગામ અને એક કણઝરી નગરપાલીકા સહીતના વિસ્તાર માટે બે પોલીસ ચોકી તથા એક બીટની મંજુરી મળેલ છે.
વડતાલ પોલીસ સ્ટેશનમાં વડતાલ ટાઉન પોલીસ ચોકી વિસ્તારમાં વડતાલ ગામ અને વડતાલ સ્વામીનારાયણ મંદિર વિસ્તારનો સમાવેશ થાય છે. કણઝરી પોલીસ ચોકી વિસ્તારમાં સમગ્ર કણઝરી નગરપાલીકા વિસ્તારનો સમાવેશ થાય છે. હોમ બીટ / વિલેજ બીટ વિસ્તારમાં નરસંડા, રાજનગર, ભુમેલ, ઉત્તરસંડા, ફતેપુરા, ગુતાલ અને વલેટવા સહિતના ગામોનો સમાવેશ થાય છે. આ ઉપરાંત વડતાલ પોલીસ સ્ટેશનનુ કુલ મંજુર મહેકમ મુજબ ૦૧ – પી.આઇ, ૦૧ – પી.એસ.આઇ, તથા ૬૯ પોલીસ કર્મચારી સ્ટાફ છે. જે અંતર્ગત ૦૧ – પી.આઇ, ૦૧ – પી.એસ.આઇ, તથા ૫૭ – પોલીસ કર્મચારીઓની નિમણુંક કરવામાં આવેલ છે.
આ કાર્યક્રમમાં અમદાવાદ રેન્જના આઈ .જી. પી પ્રેમવીર સિંહ, નડીયાદ વિધાનસભાના ધારાસભ્ય પંકજ દેસાઈ, જિલ્લા પોલીસ અધિક્ષક રાજેશ ગઢીયા, ખેડા જિલ્લા અગ્રણી અજયભાઈ બ્રહ્મભટ્ટ, અપૂર્વ પટેલ, મુખ્ય સરકારી વકીલ ઉમેશભાઈ ઢગડ, નાયબ પોલીસ અધિક્ષક વી. આર . બાજપાઈ- નડિયાદ, નાયબ પોલિસ અધિક્ષક વી. એન.સોલંકી- કપડવંજ, વડતાલ મંદિરના ટ્રસ્ટી ઘનશ્યામ પટેલ, વડતાલ પોલીસ સ્ટેશનના પી. આઈ શ્રી આર.કે.પરમાર, ચકલાસી પોલીસ સ્ટેશનના પોલીસ સબ ઇન્સ્પેકટર પી.જે.પરમાર, કણજરી નગરપાલિકા પ્રમુખ અને ઉપપ્રમુખ, તેમજ વડતાલ ધામના સરપંચ અને ઉપસરપંચ, તેમજ મોટી સંખ્યામાં નાગરિકો ઉપસ્થિત રહ્યાં હતાં.
નરેશ ગનવાણી : નડિયાદ