નવી જિલ્લા પંચાયત કચેરી, નડિયાદ ખાતે આયુષ્માન ભવ અભિયાન અંતર્ગત અંગેની પ્રેસ કોન્ફરન્સ જિલ્લા કલેકટર કે. એલ. બચાણીની અધ્યક્ષતામાં યોજવામાં આવી હતી. જિલ્લામાં તા. ૧૭-૦૯-૨૩ થી ૦૨-૧૦-૨૩ સુધી સેવા પખવાડિયા તરીકે ઉજવણી કરવામાં આવશે તેમ તેઓએ જણાવ્યું હતું.
આ પ્રસંગે જિલ્લા કલેકટર કે. એલ. બચાણી એ જણાવ્યું હતું કે આયુષ્માન ભવ અભિયાન હેઠળ જિલ્લામાં વિવિધ આરોગ્ય કેમ્પો યોજાશે. જેમાં નાગરિકોને આ અભિયાન અંતર્ગત આરોગ્યલક્ષી સેવાઓનો લાભ આપવામાં આવશે. આ અભિયાન હેઠળ ત્રણ ઘટકોમાં આયુષ્માન આપકે દ્વાર, આયુષ્માન મેળા, આયુષ્માન સભા જેવા કાર્યક્રમો યોજાશે. જેનો લાભ લેવા નાગરીકોને તેઓ એ જાહેર અપીલ કરી હતી. જિલ્લા વિકાસ અધિકારી શિવાની ગોયલ અગ્રવાલએ જણાવ્યું કે તા.૧૭ સપ્ટેમ્બ ૨૦૨૩ થી તા.૦૨ ઓક્ટોમ્બર ૨૦૨૩ ના સમયગાળા દરમ્યાન આરોગ્યના કેમ્પો યોજવામાં આવશે જેમાં આયુષ્માન આપકે દ્વાર હેઠળ આયુષ્માન કાર્ડનું વિતરણ, આયુષ્માન સભામાં આરોગ્ય લક્ષી સેવાની ચર્ચા કરવામાં આવશે અને તેમજ અંગદાન અને દેહદાન અંગે જાગૃતિ ફેલાવવામાં આવશે.
મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી વી. એસ ધ્રુવે જણાવ્યું કે ખેડા જિલ્લામાં આયુષમાન આપકે દ્વાર 3.0, પી.એમ.જે.એ.વાય યોજના હેઠળ લાયક લાભાર્થીઓને આયુષમાન કાર્ડના વિતરણ માટે તા. ૧૭.૦૯.૨૩ થી ૧૭ હજાર કાર્ડ વિતરણ ઝુંબેશ સ્વરુપે કાર્યવાહી કરવામાં આવશે. ખેડા જિલ્લાના તમામ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો, સામૂહિક આરોગ્ય કેન્દ્રો અને SDH ખાતે સાફ સફાઈ અને કાયાકલ્પ અંતર્ગત કામગીરી કરાશે. તા.૧૭ સપ્ટેમ્બર ૨૦૨૩થી તા.૦૨ ઓક્ટોમ્બર ૨૦૨૩ ના સમયગાળા દરમ્યાન આરોગ્યના કેમ્પો યોજાવાના છે તેમાં નિષ્ણાંત તબીબો સેવા આપનાર છે જેથી જિલ્લાના ૩૦ વર્ષથી મોટી ઉમરના દરેક નાગરિકોએ તેનો લાભ લઇ પોતાના આભા કાર્ડ બનાવી લેવા જાહેર અપીલ કરી છે. આ પ્રેસ કોન્ફરન્સમાં જિલ્લા વિકાસ અધિકારી, મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી, તેમજ જિલ્લાના પ્રિન્ટ અને ઈલેક્ટ્રોનિક મીડિયાના પત્રકાર મિત્રો ઉપસ્થિત રહ્યા હતા.
નરેશ ગનવાણી : નડિયાદ