આણંદના કરમસદ તાલુકાના બાકરોલમાં રહેતા પ્રતિક પટેલ વ્યવસાયે બિલ્ડર છે. તા. ૮ ઓગસ્ટના રોજ તેના મિત્ર જીગર ઉર્ફે ઢોલીયો અને ગૌરવ શાહ પ્રતીકને નડિયાદમાં મકાન બતાવવા માટે બાકરોલથી નડિયાદ કારમાં આવ્યા હતા. જ્યાં જીગરે પ્રતીકને શહેરના વાણીયાવાડ પાસે આવેલા એક બંધ મકાન કારમાં બેઠા બતાવ્યુ હતું. જે મકાન પ્રતીકને પસંદ આવતા મકાનના દસ્તાવેજી કાગળો બતાવવા શહેરના પ્રમુખ વંદના ફ્લેટ પાસે લઇ ગયા હતા. જ્યાં કાર ઉભી રાખી જીગરે પિસ્તોલ કાઢી પ્રતીકને બીજા માળે લઇ ગયા હતા. ત્યાં બે શખ્સો હાજર હતા. આ બાદ પ્રતિકને બંધક બનાવી મારમારી રૂ ૫ કરોડની માંગણી કરી મારમાર્યો હતો. બાદમાં રૂ ૨૫ હજાર રોકડ, સોનાના ઘરેણા, મોબાઇલ, કોરા ચેક અને ખાતામાં રહેલ પૈસા ઓનલાઇન મળી કુલ રૂ ૮.૮૫ લાખની લૂંટ કરી હતી. પરંતુ મોડી રાતે બંધક બનાવેલ પ્રતિકને છોડી મૂકી મોબાઇલ અને કારની ચાવી પરત આપી ધમકી આપી હતી. આ બનાવ અંગે જે તે સમયે નડિયાદ ટાઉન પોલીસે જીગર ઉર્ફે ઢોલીયો સતીષભાઇ પટેલ, ગૌરવ ઠાકોરલાલ શાહ અને બે અજાણ્યા સહિત ચાર શખ્સો સામે ગુનો નોંધ્યો હતો. આ દરમિયાન જિલ્લા ક્રાઇમ બ્રાન્ચને મળેલ બાતમી આધારે જીગર ઉર્ફે ઢોલીયાને મુંબઇના થાણેમાંથી કાર સાથે ઝડપી પાડયો છે. આણંદના ઉમરેઠમાં લૂંટ આચરી હોવાની કબૂલાત પોલીસે મુખ્ય આરોપી જીગર ઉર્ફે ઢોલિયાને નડિયાદ પોલીસ મથકે લાવી પુછપરછ કરતાં આ અગાઉ આણંદ જિલ્લાના ઉમરેઠ ખાતે લૂંટ આચરી હતી તેમજ વર્ષ ૨૦૦૮મા આણંદ રૂરલ પોલીસ સ્ટેશન વિસ્તારમાં હત્યાના ડબલ મર્ડર કેસમાં પણ પકડાયો હોવાની કબુલાત કરી છે.
નરેશ ગનવાણી : નડિયાદ