તોરણા ગામના ૪૬ વર્ષીય આધેડ દીકરીની સાર સંભાળ માટે ચોથું લગ્ન કરવા જતાં છેતરાયા છે. લગ્ન માટે મહિલાના ફોટા બતાવી વાતચીત કરાવી જુદી જુદી રીતે રૂપિયા ૧.૪૦ લાખ ઓનલાઇન પડાવી લીધા, વધુ નાણાંની માંગણી કરતા સમગ્ર મામલે કપડવંજ રૂરલ પોલીસમાં ફરિયાદ નોંધાઈ છે.
કપડવંજ તાલુકાના ગામે રહેતા આધેડ પોતે ખેતીકામ કરે છે. તેઓના અગાઉ ત્રણ લગ્ન થયા હતા. જેમાંથી બે પત્નીના આકસ્મિક અવસાન તો અન્ય એક પત્ની આધેડના ઘરેથી તેણીના ઘરે જતી રહી હતી. તો આધેડને આ ત્રણ પૈકી બીજી પત્ની થકી સંતાનમાં એક દીકરી છે જે હાલ ૧૫ વર્ષની છે. આ આધેડ પોતાની કિશોર વયની દીકરીની સાર સંભાળ માટે ચોથા લગ્નની તલાશમાં હતા. તેઓએ પોતાના ફેસબુક એકાઉન્ટ મારફતે બાયોડેટા ભરેલ હતો જે બાબતની રીકવેસ્ટ મોકલી હતી.
૪ જુને રીકવેસ્ટના આધારે એક અજાણ્યા નંબર પરથી ફોન આવ્યો હતો જેમાં સામેવાળી વ્યક્તિએ હિન્દી ભાષામાં કહ્યું કે હુ કલકત્તા નારાયણ સેવા સંસ્થામાંથી બોલું છું એક લડકી અનાથ હૈ ઉસસે રિસ્તા કરના હૈ આધેડે રીસપોન્સ આપતાં વધુમાં આ વ્યક્તિએ કહ્યું કે ઉસકે લિયે તુમ્હે રજીસ્ટ્રેશન કરવાના પડેગા તેમ કહી સૌપ્રથમ ૧૫૫૦ રૂપિયા ઓનલાઇન ભરાવડાવ્યા હતા. ત્યારબાદ તેણે જુદા નંબરથી વોટ્સએપ મારફતે ૭ થી ૮ છોકરીઓના ફોટોગ્રાફ્સ મોકલ્યા હતા. જેમાંથી આધેડે મનીષાકુમારી નામની મહિલાની પસંદગી કરી હતી. મનીષાકુમારીનો નંબર મોકલી આપ્યો હતો. આધેડ અને મનીષાકુમારી નામની મહીલા બંને અવારનવાર વાતચીત કરતા હતા ત્યારબાદ ફ્રોડ ટોળકીએ આધેડના મોબાઈલ નંબરના વોટ્સએપ પર લગ્ન રજીસ્ટ્રેશન અને મેરેજ સર્ટિફિકેટ, પોલીસ વેરિફિકેશન સહિતના ખોટા આધારભૂત વગરના પ્રમાણપત્રો મોકલી આપી વિશ્વાસ કેળવ્યો હતો અને જેથી વિશ્વાસ બેસતા આધેડ સાથે આ ટોળકીએ કાવતરું રચ્યું અને અલગ અલગ બહાના હેઠળ જુદા જુદા નંબરો મારફતે આ આધેડને ફોન કરી મેરેજ સર્ટીફીકેટ પોલીસ વેરિફિકેશન કરવાવા બાબતે છોકરીના કપડા તથા તૈયાર કરવા બાબતે સામાન લાવવો પડશે જેવા બહાના ધરી જુદીજુદી તારીખો દરમિયાન કુલ રૂપિયા ૧ લાખ ૪૦ હજાર ૯૫૦ ઓનલાઇન જુદાજુદા નંબર પર ફોન પે મારફતે પડાવી લીધા હતા. વધુ નાણાં માંગતા આધેડે કહ્યું તમે છોકરીને તો મોકલી આપતાં નથી મારી પાસે હવે નાણાં નથી અને છેલ્લે પોતાની સાથે છેતરપિંડીનો અહેસાસ થતાં તેઓએ આ મામલે આજે કપડવંજ ગ્રામ્ય પોલીસમાં ૫ જુદા જુદા મોબાઈલ ધારકો અને આ મનીષાકુમારી નામની મહિલા સામે ફરિયાદ નોંધાવી છે.
નરેશ ગનવાણી : નડિયાદ