તા. ૫ સપ્ટેમ્બર શિક્ષકદિનની ઉજવણીના ભાગરૂપે ડો. આંબેડકર હોલ, નડિયાદ ખાતે શ્રેષ્ઠ શિક્ષક પરિતોષિક વિતરણ સમારોહ યોજાયો. જેમાં જિલ્લા કક્ષાએ કુલ ૦૩ શિક્ષકો અને તાલુકા કક્ષાએ ૧૧ શિક્ષકોને શ્રેષ્ઠ શિક્ષક પારિતોષિક એવોર્ડ માટે સન્માનપત્ર અને રોકડ રકમ આપી સન્માનિત કરવામાં આવ્યા.
આ પ્રસંગે જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી કમલેશ પટેલે તમામને શિક્ષકદિનની શુભેચ્છાઓ આપી હતી અને પારિતોષિક એવોર્ડ વિજેતા શિક્ષકોને અભિનંદન આપ્યા હતા. વિદ્યાર્થીઓ દ્વારા અનેકવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કરવામાં આવ્યા તથા સન્માનિત શિક્ષકોએ પ્રતિભાવો આપ્યા હતા.
જેમાં વર્ષ ૨૦૨૩-૨૪ માટે ખેડા જિલ્લામાં જિલ્લા કક્ષાએ શ્રેષ્ઠ ૦૩ શિક્ષકો પૈકી નડિયાદ પ્રાથમિક શાળા ચલાલીના શિક્ષક ભરતભાઈ ભાનુભાઈ પારેખ, મહુધાની પ્રાથમિક શાળા સેવારિયા (રૂપપુરા)ના બિરેનકુમાર વિનુભાઈ પટેલ અને મહેમદાવાદની ચોક્સી એચ.વી વિદ્યાવિહાર, હલધરવાસના ચેતનકુમાર રમણભાઈ પટેલને શ્રેષ્ઠ શિક્ષક એવોર્ડ માટે સન્માનપત્ર અને ૧૫,૦૦૦ રોકડ આપી સન્માનિત કરવામાં આવ્યા. ઉપરાંત તાલુકા કક્ષાએ ૧૧ શિક્ષકો પૈકી સિંધાલિયાની મુવાડી પ્રા. શાળાના ડિંડોર રેખાબેન; કપડવંજ તાલુકાની બાવાના મુવાડા પ્રા. શાળાના પરમાર મહેન્દ્રભાઈ; ખેડા તાલુકાની ઢઢાલની પ્રા.શાળાના શર્મા અલ્પેશભાઈ; ખેડા તાલુકાની પરસાંતજની પ્રા.શાળાનાં વાઘેલા રસિકભાઈ; ગળતેશ્વર તાલુકાની સાંગોલ પ્રા.શાળાના વાળંદ પ્રવિણભાઈ; ઠાસરા તાલુકાની અમૃતપુરા પ્રા.શાળાના વાઘેલા મેહુલકુમાર; ઠાસરા તાલુકાની રતનજીના મુવાડા પ્રા.શાળાના ખ્રિસ્તી ફ્રેન્કલીનકુમાર; નડિયાદ તાલુકાની એમ.સી.પટેલ પ્રા.શાળા-ઉત્તરસંડાના પટેલ પ્રતિક કુમાર; નડિયાદ તાલુકાની પ્રા.શાળા-દેગામના વાઘેલા અલ્પાબેન, મહેમદાવાદ તાલુકાની સિંહુજ કુમાર પે સેન્ટર શાળા-સિંહુજના નરેન્દ્રગીરી ગોસ્વામી અને માતર તાલુકાની પ્રા. કુમાર શાળા-માતરના પટેલ શીતલ દીક્ષિતભાઈનું સન્માનપત્ર અને દરેકને રૂ.૫ હજાર રોકડ આપી સન્માન કરવામાં આવ્યું.
આ પ્રસંગે શિક્ષક દિનની તમામને શુભેચ્છા આપતા જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી કમલેશ પટેલે શિક્ષણને એક વ્યવસાય તરીકે નહીં પણ એક ધર્મના કાર્ય તરીકે અપનાવવાનો અનુરોધ કર્યો હતો. તેમણે જણાવ્યું કે કોઈ પણ શાળામાં ભણતું બાળક એ પુસ્તક છે જેનો શિક્ષકોએ અને માતા-પિતાઓએ અભ્યાસ કરવાનો છે. શિક્ષકોએ ફક્ત ભણવા પૂરતું સીમિત ન રહેતા બાળકો સમાજ અને રાષ્ટ્ર માટે વિચારતા અને કાર્ય કરતા થાય એ દિશામાં કામગીરી કરવાની છે.
આ પ્રસંગે નડિયાદ નગરપાલિકાના પ્રમુખ રંજનબેન વાઘેલા, જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી કમલેશ પટેલ, નડિયાદ નગરપાલિકાના શિક્ષણ સમિતિના ચેરમેન અતુલકુમાર પંડ્યા, કઠલાલ, ડાયટ પ્રાચાર્ય કે.બી.પટેલ, સહિત શિક્ષકો, બાળકો, વાલીઓ તથા આગેવાનો જોડાયા હતા.
નરેશ ગનવાણી : નડિયાદ