તા. ૫ સપ્ટેમ્બર, ૨૦૨૩ ના રોજ જિલ્લા શિક્ષક દિવસની ઉજવણી સમગ્ર જિલ્લામાં કરવામાં આવશે. એ નિમિત્તે જિલ્લા વિકાસ અધિકારી શિવાની ગોયલ અગ્રવાલની અધ્યક્ષતામાં નવી જિલ્લા પંચાયત, નડિયાદ ખાતે ૦૫ સપ્ટેમ્બર, શિક્ષક દિવસ નિમિત્તે સન્માન કરવામાં આવનાર શિક્ષકો સાથે કોફી વિથ ડીડીઓ કાર્યક્રમ યોજાયો. જેમાં જિલ્લાની પ્રાથમિક શાળાઓમાં શિક્ષણ અને વિદ્યાર્થીઓને સંબંધિત અનેક મહત્વની બાબતો ઉપર ચર્ચા કરવામાં આવી અને તમામ શિક્ષકોને શુભેચ્છા ગિફ્ટ આપી તેમનું સન્માન કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે આગામી શિક્ષક દિવસની તમામને શુભેચ્છાઓ આપતા જિલ્લા વિકાસ અધિકારી શિવાની ગોયલ અગ્રવાલ દ્વારા વિદ્યાર્થીઓના શિક્ષણ, સ્વાસ્થ્ય, સ્પોર્ટ્સ, કરિયર કાઉન્સેલિંગ, નવા આઈડિયાઓનું પારસ્પરિક આદાન-પ્રદાન અને શાળાઓમાં વિદ્યાર્થીઓની ૧૦૦% હાજરી, કૌશલ્ય વર્ધક અને મૂલ્ય વર્ધક શિક્ષણ જેવા મહત્વના મુદ્દાઓ ઉપર શિક્ષકો સાથે પ્રત્યક્ષ સંવાદ કરી તેમને વધુમાં વધુ સારૂ કાર્ય કરવા પ્રોત્સાહિત કર્યા હતા. ફક્ત પુસ્તકિયા શિક્ષણથી આગળ વધીને બાળકોને સમાજમાં ચાલતી વિવિધ ઘટનાઓ પ્રત્યે સંવેદનશીલતા ઉભી થાય એ રીતે કાર્ય કરવા જિલ્લા વિકાસ અધિકારીએ શિક્ષકોને અનુરોધ કર્યો હતો. તેમણે ઉમેર્યું હતું કે ફક્ત લખતા વાંચતા કરવા ઉપરાંત કોઈપણ સમસ્યાઓનું નિવારણ શોધી શકવાની ક્ષમતા ધરાવનાર વિદ્યાર્થીઓ તૈયાર કરવા પડશે.
આ પ્રસંગે જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી કમલેશ પટેલ, નાયબ જિલ્લા વિકાસ અધિકારી દિપક રબારી સહિત જિલ્લાના કુલ ૧૫ શિક્ષકો ઉપસ્થિત રહ્યા હતા.
નરેશ ગનવાણી : નડિયાદ