કન્ટેનરમાં પ્લાસ્ટિકના વેસ્ટેજની આડમા લઈ જવાતો રૂપિયા ૧૬.૪૮ લાખનો દારૂ સાથે એકને ઝડપી પાડયો છે. આ બનાવમાં પોલીસે અન્ય એક ઈસમ તેમજ વિદેશી દારૂનો જથ્થો મોકલનાર અને વાહન માલિક મળી કુલ ૪ સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
ઠાસરા પોલીસના માણસો શુક્રવારની રાત્રે પેટ્રોલિંગ દરમિયાન ડાકોર-કપડવંજ રોડ પર રાવઠી પાટીયા પાસે આવતાં એક રાજસ્થાન પાર્સીગની કન્ટેનર ઊભું હતું. આ વાહનની આગળ એક વ્યક્તિ ઊભો હતો. પોલીસે એ વ્યક્તિનું નામઠામ પુછતાં તેણે પોતાનું નામ મહાવીરસિંહ ભુરસિંહ રાવત (રહે.ટોટગઢ, અજમેર) હોવાનું જણાવ્યું હતું. પોલીસે કન્ટેનરમાં તલાસી લેતાં આગળ પ્લાસ્ટિકના વેસ્ટેજ મળી આવ્યો હતો. પાછળ તપાસ કરતાં ખાખી રંગના બોક્સો મળી આવતાં પોલીસે વિદેશી દારૂનો જથ્થાની ગણતરી કરતા અલગ અલગ માર્કાની વિદેશી દારૂની નાની મોટી બોટલો તેમજ બિયર ટીન મળી કુલ ૧૪,૧૦૦ નંગ જેની કિંમત ૧૬ લાખ ૪૮ હજાર ૩૨૦ તેમજ મહાવીરસિંહ પાસેથી એક મોબાઈલ ફોન અને ગુનામાં વપરાયેલ વાહન મળી કુલ રૂપિયા ૨૬ લાખ ૫૪ હજાર ૫૭૦નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. આ બનાવમાં પોલીસે પકડાયેલ વિદેશી દારૂનો જથ્થો મોકલનાર અને વાહન માલિક મળી કુલ ૪ સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
નરેશ ગનવાણી : નડિયાદ