મંજીપુરા-કમળા પાસે આવેલ ડમ્પીંગ સાઇટ છેલ્લા કેટલાય સમયથી કચરો સળગતા જેનો ધુમાડો આસપાસ રહેણાં મકાનોમા ઘૂસી જતો હતો. વારંવાર આ કચરાનો યોગ્ય નિકાલ કરવા માટે સ્થાનિકોએ કલેકટર સુધી રજૂઆતો કરી હતી. જોકે હવે આ માટે પાલિકા તંત્ર કચરો પ્રોસેસિંગ કરવાની કામગીરી આરંભી દીધી છે. પ્રોસેસિંગ યુનિટ મારફતે છુટો પાડવાની કામગીરી કરવામાં આવશે. હાલ બે મશીન દ્વારા કામગીરી હાથ ધરવામાં આવી રહી છે. ખાનગી એજન્સીને આ કામગીરી અંદાજીત ૬-૭ માસમાં પૂર્ણ કરવાની છે.
ધારાસભ્ય પંકજભાઈ દેસાઈએ જણાવ્યું હતું કે અગાઉ ઘણી બધી ફરિયાદો હતી કે આ કચરાને સળગાવવામાં આવે છે પણ કચરામાં આકસ્મિક આગ લાગતા તેનો ધુમાડો આસપાસ રહેણાંક મકાનમાં જતો હતો જેથી હવે આ પ્રોસેસિંગ યુનિટ શરુ થતાં લોકોએ રાહતનો શ્વાસ લીધો છે. કેન્દ્ર અને રાજ્ય સરકારમાંથી રૂપિયા ૧૨ કરોડ ૭૦ લાખના ખર્ચે કમળા ડમ્પીંગ સાઈટ ખાતે લેગેસી વેસ્ટના નિકાલના કામનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે. મંજીપુરા અને આસપાસના વિસ્તારોમાં કમળા ડમ્પીંગ સાઈટના કચરાના કારણે થતા સ્વાસ્થ્ય ના નુકસાનને ધ્યાને રાખી નડિયાદના ધારાસભ્ય પંકજભાઈ દેસાઈ અને મહુધાના ધારાસભ્ય સંજયસિંહ મહીડા તથા ખેડા જીલ્લા ભાજપ પ્રમુખ અજયભાઈ બ્રહ્મભટ્ટ નડિયાદ નગરપાલિકા પ્રમુખ રંજનબેન વાઘેલાની ઉપસ્થિતીમા કમળા ડમ્પીંગ સાઈટ ખાતે લેગેસી વેસ્ટના નિકાલના કામનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું.
નરેશ ગનવાણી : નડિયાદ