નડિયાદ શહેરના જવાહર નગરમાં આવેલ નટ મારવાડી વાસમાં વરસાદી પાણીના મુદ્દે એક જ જ્ઞાતીના બે પરિવારો વચ્ચે લોહિયાળ જંગ ખેલાયો હતો. આવેશમાં આવી ગયેલા બન્ને કુટુંબના લોકો ચપ્પા અને લાકડીઓ જેવા ઘાતક હથિયારો સાથે એકબીજા પર તુટી પડ્યા હતા. જે ઘટનામાં ૩૫ વર્ષીય યુવકનું મોત નીપજ્યુ છે. જ્યારે પાંચ વ્યક્તિઓ ઘાયલ થઈ છે. નડિયાદ ટાઉન પોલીસને જાણ થતા પોલીસ નટ મારવાડી વાસમાં પહોંચી ગઈ હતી
નડિયાદ શહેરના નટ મારવાડી વાસમાં અશોક કુમાર નટ મારવાડી અને રમેશકુમાર નટ મારવાડીના પરિવાર રહે છે. ગલીઓવાળી બસ્તીમાં વરસાદી પાણી ભરાયા હતા. જેના નિકાલ બાબતે બંને જૂથો વચ્ચે ઝઘડો થયો હતો. જોત જોતામાં મારા મારી સુધી પહોંચી ગયો હતો. દરમિયાન સેવક અશોકકુમાર નટ મારવાડી ઉ.૨૦ ચપ્પુ લઈ ઝઘડામાં ઉતરી પડ્યો હતો. તેણે મૃતક સુરજ અશોકકુમાર મારવાડી ઉ.૨૪ ના પેટમાં અને બરડાના ભાગે ચપ્પાના ઉપરા છાપરી ઘા મારી દીધા હતા.
જેના કારણે પેટમાંથી આંતરડા બહાર આવી જતા અને લોહી વહી જતાં તેનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. સમગ્ર ઘટનામાં સુરજની માતા રેખાબેન ઉ.૪૨ બહેન જ્યોતી ઉ.૧૮ ભાઈ દેવા ઉ.૨૨ ને ગંભીર ઈજાઓ પહોંચી હતી. તેમજ હત્યારા સેવકની બહેન પુજા અને પિતા અશોકને પણ ઈજાઓ થઇ હતી. હુમલામાં સુરજની માતાની આંગળીઓ પણ કપાઈ ગઈ હતી. તેમજ તેની બહેનને પણ ચપ્પાના ઘા વાગ્યા હતા. ઘટના બાદ તેનાથી ગંભીર ગુનો થઈ ગયો હોવાનું ભાન થતાં સેવક રાજસ્થાન ભાગવાની ફિરાકમાં હતો. નડિયાદ પોલીસે તેને રેલ્વે સ્ટેશનથી ઝડપી પાડ્યો હતો.
નરેશ ગનવાણી : નડિયાદ