નડિયાદ શહેરના પશ્ચિમ વિસ્તારમાં આવેલા રહેણાંક મકાનમાં દવાખાનુ ખોલી છેલ્લા 3 વર્ષથી પ્રેક્ટીસ કરતો બોગસ તબીબ સામે પોલીસે દરોડો પાડી ૩૧ હજાર ઉપરાંતનો દવાના જથ્થા સાથે ઝડપી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
નડિયાદ સ્પેશિયલ ઓપરેશન ગ્રુપના માણસોએ બુધવારે નડિયાદ પશ્ચિમ વિસ્તારમાં ઈન્દિરાનગરી પાસે આવેલ વિશાલ સોસાયટીમાં બોગસ ડોકટરના દવાખાનામાં દરોડો પાડયો હતો. રહેણાંક મકાનમા ડોક્ટરનો વ્યવસાય કરતા સુબોધભાઇ ઉર્ફે સુભાષભાઇ ફેકનપ્રસાદ મહેતા (ઉ.વ.47 રહે.17 વિશાલ સોસાયટી ઇન્દીરાનગરીની બાજુમાં નડીયાદ, મુળ રહે.બાગલપુર બિહાર) જે ત્રણ વર્ષથી તબીબી પ્રેક્ટીસ કરતો હોવાનુ જણાવેલ હતો. જોકે તબીબના કોઈ પુરાવા રજૂ કરી ન શકતા બોગસ હોવાનું પોલીસને જાણવા મળ્યું હતું. પોલીસે અહીંયાથી જુદી જુદી કંપનીની એલોપેથીક દવાઓ, ઇન્જેક્શન તથા મેડીકલ સાધનો કુલ કિંમત રૂપિયા ૩૧ હજાર ૧૫૮ના કુલ મુદ્દામાલ સાથે પકડી પાડેલ હતો અને નડિયાદ પશ્ચિમ પોલીસ સ્ટેશનમાં ધી ગુજરાત રજિસ્ટર મેડીકલ પ્રેક્ટીસ એક્ટની કલમ મુજબનો ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
નરેશ ગનવાણી : નડિયાદ