નડિયાદના હાથનોલી ગામેથી મોટી માત્રામાં ગાંજાની ખેતીનો પર્દાફાશ જિલ્લાની એસઓજી પોલીસે કર્યો છે. પોલીસે ગાંજાના છોડ નંગ ૧૯ કિંમત રૂપિયા ૧.૩૨ લાખના કબ્જે કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે. જોકે આ બનાવમાં આરોપીને વોન્ટેડ જાહેર કરાયો છે.
ખેડા સ્પેશિયલ ઓપરેશન ગ્રુપના માણસોને મંગળવારની સાંજે બાતમી મળી હતી કે નડિયાદ ગ્રામ્ય પોલીસ સ્ટેશનની હદમાં આવતા હાથનોલી ગામે ગાંજાની ખેતી થઈ રહી છે. પોલીસે આ વિસ્તારના વજેસીંહ દેસાઇભાઇ રાઠોડ (રહે. સીલોડ, હાથનોલી રોડ, નડિયાદ)ના ખેતરમાં છાપો માર્યો હતો. વજેસિંહના પોતાની માલીકીના ખેતરમાં વનસ્પતિજન્ય માદક પદાર્થ લીલા ગાંજાના કુલ છોડ નંગ- ૧૯ મળી આવ્યા હતા. પોલીસે એફએસએલને બોલાવી તપાસ કરાવતાં આ છોડ ગાંજાના હોવાનું માલુમ પડ્યું હતું. છોડને કબ્જે કરી તેનુ વજન કરતા કુલ વજન ૧૩ કિલો ૨૯૦ ગ્રામ થયેલ હતું. જેની કુલ કિંમત રૂપિયા ૧ લાખ ૩૨ હજાર ૯૦૦ના ઘણી શકાય આ દરોડામાં ગાંજાનુ વાવેતર કરનાર વજેસીંહ દેસાઇભાઇ રાઠોડ મળી આવ્યો નહોતો. પોલીસે આ ઈસમને વોન્ટેડ જાહેર કરી તેની સામે એન.ડી.પી.એસ. એક્ટની કલમ હેઠળ નડિયાદ રૂરલ પોલીસમાં ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
ઉલ્લેખનીય છે કે, પોલીસે આ કામગીરી રાજ્ય સ્તરે ચાલી રહેલ સ્પેશિયલ ડ્રાઈવ અંતગર્ત કરી છે. ત્યારે આવનારા સમયમાં શ્રાવણ માસ, નવરાત્રી સહિતના તહેવારો આવવાના હોય તેમાં પણ મોટા પ્રમાણમાં નશીલા પદાર્થનો કાળો કારોબાર જામશે તો તેને ડામવા અત્યારથી જ પોલીસ કમર કસે તેવી માંગ ઉઠી છે.
નરેશ ગનવાણી : નડિયાદ