Proud of Gujarat
FeaturedGujaratINDIA

નડિયાદ કલેક્ટર કચેરી ખાતે ‘મેરી મિટ્ટી, મેરા દેશ’ કાર્યક્રમને અનુલક્ષીને પત્રકાર પરિષદ યોજાઇ.

Share

ખેડા જિલ્લામાં નડિયાદ કલેક્ટર કચેરી ખાતે “મારી માટી, મારો દેશ’  કલેક્ટર કે.એલ.બચાણીની અધ્યક્ષતામાં પત્રકાર પરિષદ કલેકટર કચેરી ખાતે યોજાઈ હતી. કલેક્ટર  કે. એલ. બચાણીએ પત્રકારોને સંબોધતા જણાવ્યું કે ૦૯ ઓગસ્ટથી સમગ્ર જિલ્લામાં “મારી માટી મારો દેશ” કાર્યક્રમ ઉજવવામાં આવશે. જેમાં જિલ્લાના ૫૨૨ ગામડાઓ અને ૧૦ તાલુકાઓ સહિત ૧૦ નગરપાલિકાઓ ઉત્સાહભેર ભાગ લેશે.  બચાણીએ વધુમાં જણાવ્યું કે,  ૧૨ માર્ચ ૨૦૨૧ના રોજ “આઝાદી કા અમૃત મહોત્સવ”ની શરૂઆત દેશના ૭૫ વર્ષ પૂર્ણ થયા તે સંદર્ભે કરવામાં આવી હતી. આ “આઝાદી કા અમૃત મહોત્સવ” કાર્યક્રમની પુર્ણાહુતી “મારી માટી મારો દેશ’ કાર્યક્રમ થકી આ વર્ષે દિલ્લીમાં થશે તેમ જણાવ્યું હતું. અભિયાન અંતર્ગત  જિલ્લામાં યોજાનાર વિવિધ કાર્યક્રમોની રૂપરેખા જણાવતા જિલ્લા વિકાસ અધિકારી શિવાની ગોયલ અગ્રવાલે કહ્યું કે,  આઝાદીના અમૃત મહોત્સવ અંતર્ગત આ વર્ષે ૧૫મી ઓગસ્ટ સ્વતંત્રતા પર્વના અવસર પર  “માતૃભુમિનાં વીરોને નમન અને માટીને વંદન “ ની થીમ પર કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા તા- ૯ મી ઓગસ્ટથી “મારી માટી, મારો દેશ’ અભિયાન યોજાશે. ખેડા જિલ્લામાં પણ આ અભિયાનમાં લોકોની સહભાગિતા સુનિશ્ચિત કરીને ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવશે.

તા. ૦૯ થી ૧૧ ઓગસ્ટ દરમ્યાન તમામ ગ્રામ પંચાયતોમાં ઉજવણી થશે ઉપરાંત તા- ૧૭ થી ૧૯ ઓગસ્ટે તાલુકા કક્ષાએ અને નગરપાલિકામાં “મારી માટી , મારો દેશ’ અભિયાન યોજાશે. આ કાર્યક્રમ પંચાયત ઉપરાંત, તાલુકા કક્ષાએ અને નગરપાલિકા વિસ્તારમાં પણ યોજાશે. જેમાં રાજ્ય સરકારના રમત ગમત યુવા અને સાંસ્કૃતિક વિભાગ દ્વારા ૭૫મા આઝાદી કા અમૃત મહોત્સવ અન્વયે “ માટીને નમન વીરોને વંદન થીમ “ અંતર્ગત વિવિધ તબક્કામાં તા.૯ થી તા.૩૦ ઓગસ્ટ સુધી પંચાયત, બ્લોક સ્તરે અને રાષ્ટ્રીય સ્તરના કાર્યક્રમો યોજાશે. આ ઉપરાંત રાજ્ય સરકારના વિવિધ વિભાગો આ કાર્યક્રમમાં સહભાગી થશે.

Advertisement

શિલાફલકમ સ્થાપના
આ કાર્યક્રમ અંતર્ગત પંચાયત સ્તરે “મીટ્ટી ઓફ ધ મધરલેન્ડ” કાર્યક્રમ યોજાશે. જેનું આયોજન ખેડા જિલ્લા સહીત દેશની તમામ પંચાયતોમાં થશે. ખેડા જિલ્લાની દરેક ગ્રામ પંચાયતના અને નગરપાલિકા દ્વારા અમૃતસરોવરો અથવા ગામના જળાશય કે પછી શાળા/ કોલેજ કે પંચાયતના પ્રાંગણમાં દેશ માટે બલિદાન આપનાર વીર જવાનોના નામવાળી તખ્તી – શિલાફલકમ સ્થાપિત કરી શ્રધાંજલિ અર્પણ કરવામાં આવશે. વીરોની વ્યાખ્યામાં સ્વાતંત્ર્ય સેનાનીઓ, સંરક્ષણ કર્મીઓ, રાજ્ય પોલીસ દળ, સી.આર.પી.એફ.ના જવાનોનો સમાવેશ કરવામાં આવ્યો છે. કાર્યક્રમમાં વીરોને વંદન કરવાના હેતુથી સ્વાતંત્ર્ય સેનાની પરિવારને આમંત્રિત કરી તેમનું સ્થાનિક પરંપરા અને રીવાજો મુજબ સન્માન કરવામાં આવશે.  પંચાયતમાં યોજનાર દરેક કાર્યક્રમમાં ધ્વજવંદન અને રાષ્ટ્રગાન કરવામાં આવશે.
પંચ પ્રણ કાર્યક્રમ દરમિયાન પંચપ્રાણ પ્રતિજ્ઞા લેવડાવવામાં આવશે અને સહભાગીઓ આ પ્રતિજ્ઞા હાથમાં માટી અથવા દીવડા લઈને કરશે. આ પ્રતિજ્ઞા લેતી પોતાની સેલ્ફી આ અભિયાનની વેબસાઈટ www.yuva.gov.in/meri_maati_mera_desh પર અપલોડ કરી શકશે. જેનું ઈ- સર્ટીફીકેટ પણ પ્રાપ્ત થશે.

વસુધા વંદન
વસુધા વંદન અંતર્ગત દરેક પંચાયતમાં ૭૫ મોટા અને જીવિત રહે તેવા સ્થાનિક રોપાઓનું વાવેતર કરી અમૃત વાટિકા તૈયાર કરવામાં આવશે. દરેક ગામ ખાતે કાર્યક્રમના દિવસે ગ્રામસભાનુ આયોજન કરવામાં આવશે. જેમાં સરપંચ, પંચાયતના સભ્યો, અશાવર્કરો, ગ્રામ સેવકો, આરોગ્ય કર્મીઓ, અને ગ્રામજનો જોડાશે. ગ્રામસભામાં જનસામાન્યને આરોગ્ય વિભાગની આયુષ્યમાન ભારત તથા અન્ય યોજનાઓનો અને બેંકની અટલ પેંશન યોજના (APY), પ્રધાનમંત્રી જીવન જ્યોતિ વીમા યોજના તથા અન્ય અગત્યની યોજનાઓ વિશે માહિતગાર કરવામાં આવશે.

મીટ્ટી યાત્રા
આ ઉપરાંત ગામથી તાલુકા સુધી મેરી મીટ્ટી યાત્રા યોજાશે. માતૃભૂમિને નમન કરવાના હેતુથી ગામની માટી એકઠી કરી પંચાયતમાં લાવવામાં આવશે.  ગામથી તાલુકા સુધીની માટી યાત્રા પણ યોજાશે. બ્લોક ખાતેથી દરેક તાલુકા દીઠ એક યુવાન પરંપરાગત પહેરવેશમાં  માટીને મેટલના કળશમાં દિલ્હી લઇ જશે.

નોધનીય છે કે  “દેશભરની” ગ્રામ પંચાયતોમાંથી ૭૫૦૦ કળશમાં માટી એકઠી કરીને તેને રાજધાની દિલ્હીના નવીન કર્તવ્ય પથ ઉપર લાવવામાં આવશે.  આ માટીથી આઝાદી કા અમૃત મહોત્સવ સ્મારક તેમજ અમૃતવાટિકા બનાવીને વીરોને શ્રદ્ધાંજલિ અર્પણ કરવાનો સંકલ્પ છે. આ કાર્યક્રમથી સમગ્ર ભારતમાં ગામડાઓમાંથી અંદાજીત ૧.૫૦ કરોડ લોકો જોડાશે અને ૧૦ લાખથી વધુ વૃક્ષો વાવવામાં આવશે. હર ઘર તિરંગા ગત વર્ષની જેમ આ વર્ષે પણ તા.૧૩ થી ૧૫, ઓગસ્ટ દરમ્યાન હર ઘર તિરંગા અભિયાન અંતર્ગત ધ્વજ ફરકાવવામાં આવશે. અત્રેની જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી અંતર્ગતની સ્વસહાય જૂથની બહેનો દ્વારા બનાવેલ  ૫૦ દીવડા અને એક કળશ ગ્રામ પંચાયત દીઠ પુરા પાડવામાં આવશે.

જનભાગીદારી અંતર્ગત વિદ્યાર્થીઓની ભાગીદારી કાર્યક્રમ અંતર્ગત જિલ્લા શિક્ષણ અધિકારી  કમલેશ પટેલે જણાવ્યું હતી લગભગ ૨ હજાર જેટલી શાળાઓના ૧૨ હજાર શિક્ષકોની મદદથી આ અભિયાનને બાળકો અને તેમના પરિવારજનો સુધી પહોંચાડવામાં આવશે. જેમાં બાળકો કાર્યક્રમ વિશે જનજાગૃત્તિ લાવવા શાળાના વિદ્યાર્થીઓની રેલી, ચિત્રસ્પર્ધા, નિબંધ સ્પર્ધા, વકૃત્વ સ્પર્ધા, પ્રભાત ફેરી વગેરેનુ આયોજન કરવામાં આવશે. 
ગૃહ વિભાગ દ્વારા વિવિધ આયોજનો જિલ્લા પોલીસ અધિક્ષક  રાજેશ ગઢીયાએ પોલીસ વિભાગના આયોજન અંગે જણાવતા કહ્યું કે પોલીસ વિભાગ દ્વારા ફ્લેગ માર્ચ, બાઇક રેલી તેમજ જિલ્લાના તમામ પોલીસ સ્ટેશન,આઉટ પોસ્ટ, સરકારી વસાહત તથા સરકારી વાહનો ઉપર બેનર,હોર્ડીંગ્સ વગેરે દ્વારા કાર્યક્રમનો બહોળા પ્રમાણમાં પ્રચારપ્રસાર કરવામાં આવશે.

આ પત્રકાર પરિષદમાં જિલ્લા વિકાસ અધિકારી શિવાની ગોયલ અગ્રવાલ, જિલ્લા પોલીસ અધિક્ષક  રાજેશ ગઢીયા, ઇન્ચાર્જ નાયબ જિલ્લા વિકાસ અધિકારી દિપક રબારી, જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી કમલેશ પટેલ, નાયબ માહિતી નિયામક  નિત્યા ત્રિવેદી તેમજ જિલ્લાના પત્રકારો ઉપસ્થિત રહ્યા હતા.

નરેશ ગનવાણી : નડિયાદ


Share

Related posts

વડોદરાની રાજસ્થંભ સોસાયટીમાં સામાન્ય વરસાદમાં પાણી ભરાઈ જતા રહીશોને ભારે હાલાકી.

ProudOfGujarat

ભરૂચ : સંત શિરોમણી રૈદાસ અને યુગાવતાર ડૉ.આંબેડકર રાષ્ટ્રીય સેવા સંઘ દ્વારા જીલ્લા કલેકટરને આવેદન પાઠવાયું.

ProudOfGujarat

ભરૂચનાં ભીડ ભંજરના યુવકોએ માનવતા મહેકાવી માતાથી વિખુટા પડેલા 4 વર્ષીય બાળકનું માતા સાથે મિલન કરાવ્યું.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!