નડિયાદમાં સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે આવેલ કાચા કામનો કેદી પોલીસ કસ્ટડીમાંથી ફરાર થયો છે. કેદી વોર્ડમાંથી ડોક્ટરને બતાવવા જતાં સીડી પાસેથી પોલીસ જવાનોને ધક્કો મારી નાસી ગયો છે. દારૂના ગુનામાં પકડાયેલ આરોપી ભાગી જતાં સમગ્ર મામલે નડિયાદ ટાઉન પોલીસમાં આરોપી સામે ફરિયાદ નોંધાઈ છે.
નડિયાદ ટાઉન પોલીસ સ્ટેશનમાં પ્રોહીબીશનના ગુના મામલે જિલ્લા જેલ બિલોદરા ખાતે કોર્ટ કસ્ટડીમાં રહેલો કાચા કામનો કેદી સાહીલ ઉર્ફે જવો અર્જુનભાઈ માળી (રહે.ગોત્રી દિવાળીપુરા કોર્ટ પાછળ, વડોદરા) નડિયાદ સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે આવેલ હતો. ગુરુવારના રોજ તે સારવાર હેઠળ હતો તે દરમિયાન સિવિલ હોસ્પિટલમાં કેદી વોર્ડમાં સાંજના સમયે તપાસ અર્થે આવેલ નર્સએ જણાવ્યું કે આ આરોપી સાહીલ ઉર્ફે જવાને નીચેના માળે ડોક્ટરને બતાવવાનુ છે.
આથી હાજર પોલીસ કર્મી શૈલેષભાઇ ચૌહાણ અને કાળીદાસભાઈ બંન્ને આરોપીને પોલીસ જાપ્તા સાથે નીચે લઈ આવતાં હતા. તે વખતે આરોપી સાહીલ ઉર્ફે જવો અર્જુનભાઈ માળીએ પગથિયાં નજીક એક પોલીસ કર્મીને ધક્કો મારી દોડ્યો હતો. જેથી એક પોલીસકર્મી આ આરોપી પાછળ દોડ્યા પણ પગથિયા પાસેથી પગ લપસતા તેઓ પડ્યા હતા. આથી આરોપી હોસ્પિટલમાંથી ફરાર થઇ ગયો હતો. હોસ્પિટલ સહિત પૂરા શહેરમાં શોધખોળ આદરી હતી. પણ આરોપીની ક્યાં ભાળ મળી ન આવતાં પોલીસ કર્મી શૈલેષભાઈ ચૌહાણે નડિયાદ ટાઉન પોલીસમાં ભાગેડું કાચા કામનો કેદી સાહીલ ઉર્ફે જવો અર્જુનભાઈ માળી સામે ફરિયાદ નોંધાવી છે.
નરેશ ગનવાણી : નડિયાદ