વસોના પલાણા ગામની સીમમાં ૫ દિવસ અગાઉ જમીનની રખેવાળી કરતા યુવાન પર કોઈ અજાણ્યા શખ્સએ જ્વલનશીલ પ્રવાહી નાંખતા યુવાન ગંભીર રીતે દાઝી ગયો હતો અને અંતે તેનું સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું. પોલીસે હત્યાની કલમનો ઉમેરો કરી તપાસ કરતાં પડોશી શખ્સે જ પોતાની પત્નીને આડા સંબંધ હોવાનો શક રાખીને આ યુવક પર એસિડ હુમલો કર્યાની કબુલાત આરોપીએ કરી છે. આરોપીની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી દેવામાં આવી છે.
વસો તાલુકાના પલાણા ગામે વાડીયા કુવાના વિસ્તારમાં રહેતા ૩૪ વર્ષિય જયંતિભાઈ મનુભાઈ ચૌહાણ પોતે પિતા સાથે અહીયા રહે છે અને જમીનની સાચવણી કરે છે. ગત ૨૧ જુલાઈના રોજ મધરાતે જયંતિભાઈ પોતાના ઘરના અડારમા સુઈ રહેલા હતા. આ દરમિયાન કોઈ અજાણ્યા શખ્સોએ આ જયંતીભાઈના શરીર ઉપર કોઈ જ્વલનશીલ પ્રવાહી નાખી ફરાર થયા હતા. ગંભીર દાજી ગયેલ જયંતીભાઈને સારવાર માટે દાખલ કરતા તેમનું મોત થયું હતું. આ બનાવમાં પોલીસે હત્યાની કલમનો ઉમેરો કરી તપાસ હાથ ધરી હતી.
પાડોશમાં જ રહેતા પ્રવીણ ઉર્ફે મૂખીની ધરપકડ કરી છે. અને પૂછપરછ કરતા તેણે એસિડ હુમલો કર્યો હોવાની કબુલાત કરી હતી. બનાવની તપાસ કરનાર પીએસઆઇ હેતલ દેસાઈએ જણાવ્યું હતું કે એસિડ હુમલાના બનાવના પ્રથમ દિવસે જ આ પ્રેમપ્રકરણ હોવાની શંકા ગઈ હતી. આ દિશામાં તપાસ આગળ વધારતા જયંતીભાઈને હુમલાખોર પ્રવીણ ઉર્ફે મૂખીની પત્ની સાથે આડા સંબંધ હોવાનો વહેમ પ્રવીણને હતો. પાડોશમાં રહેતા હોય અને ખેતરમાં સાથે જવાનું થતું હોય એકબીજા સાથે વાતચીત થતી હોય એ બાબતને પ્રવીણના મગજમાં શંકાનો કીડો પેદા કર્યો હતો જેના કારણે આ પગલું ભર્યું હતું. તો એટલું જ નહીં આરોપી પ્રવીણ ઉર્ફે મુખીએ પણ પોલીસ સમક્ષ કબૂલાત કરી છે કે જયંતિ તેની પત્ની સામે વારંવાર જોતો હતો અને વાતચીત કરતો હતો એટલે તેને લાગ્યું કે બંને વચ્ચે આડા સબંધ છે માટે આ પગલું ભર્યું. પાડોશી પ્રવીણ ઉર્ફે મુખીએ જયંતીભાઈનુ કાસડ કાઢી નાખવા માટે તખ્તો ઘડ્યો હતો. જેના ભાગરૂપે તે દૂધવાળા પાસે ગયો હતો જે લોકો દૂધનું ફેટ મેન્યુઅલ મશીનથી કાઢે છે તે લોકો એસિડનો ઉપયોગ કરતા હોય છે. આ દૂધવાળા પાસે જઈને તેણે જણાવ્યું હતું કે મારે ખેતરમાં જીવાત વધુ થઈ ગઈ છે માટે એસિડની જરૂર છે એટલે દૂધવાળા એ રૂપિયા ૪૦૦ નું એસિડ તેને લાવી આપ્યું હતું. જયંતીભાઈ પર એસિડ હુમલો કર્યા બાદ તે વધેલું એસિડ દૂધવાળાને પાછો આપવા ગયો હતો અને તેને જણાવ્યું હતું કે આપણા ગામમાં કોઈના પર એસિડથી હુમલો થયો છે જો મારી પાસેથી એસિડ મળે તો આ હુમલો મેં કર્યો છે તેવું લાગે માટે હું એસિડ પાછું આપવા આવ્યો છું.