કપડવંજ શહેરના રત્નાકર માતા રોડથી ડાકોર રોડને જોડતા માર્ગ પર આવેલી અનન્યા વિલા સોસાયટીની ગટરના દૂષિત પાણી છેલ્લા એક અઠવાડિયાથી રોડ પર રેલાઇ રહ્યા છે.
શહેરના રત્નાકર માતા રોડ ઉપરના બહુચર માતાજીના મંદિરથી ડાકોર રોડને જોડતા માર્ગ પર આવેલી અનન્યા વીલા સોસાયટીના ગટરના દૂષિત પાણી રોડ ઉપર ફરી વળી એક કિલોમીટર સુધી પાણી રેલાયા છે. ઠેર ઠેર પાણીના ખાબોચિયા ભરાવાને કારણે ચાલુ ચોમાસાની સિઝનમાં દૂષિત પાણીને પરિણામે મચ્છરોનો ઉપદ્રવ વધ્યો છે. આ સ્થિતિને કારણે આસપાસની સોસાયટીમાં રોગચાળો ફેલાવાની દહેશત ઊભી થઈ છે. આ માર્ગ પરથી મોટી સંખ્યામાં લોકો અવરજવર કરતા હોય છે. જેમાં ખાસ કરીને વિદ્યાર્થીઓ કોલેજ અને શાળામાં જવા માટે આ જ માર્ગનો ઉપયોગ કરતા હોય છે. ત્યારે નગરપાલિકાના સત્તાધીશો તેમજ સેનેટરી વિભાગને આંખે પાટા બાંધ્યા હોય તેવી પરિસ્થિતિ ઉભી થઈ છે. કપડવંજ નગરપાલિકાનો સેનેટરી વિભાગ અને સોસાયટીના માલિક દ્વારા ગટરના દોષિત પાણીનો યોગ્ય નિકાલ ન કરવામાં આવતા છેલ્લા એક અઠવાડિયાથી ગટરના પાણી રોડ પર રેલાયા છે. પરિણામે શહેરીજનોને આ રોડ પરથી પસાર થવામાં હાલાકી વેઠવી પડી રહી છે. પરંતુ નગરપાલિકાના સત્તાધીશોના પેટનું પાણી પણ હાલતું નથી. સમગ્ર બાબતે કપડવંજ નગરપાલિકાના ચીફ ઓફિસર કે.કે.પ્રજાપતિએ જણાવ્યું હતું કે પાલિકાના માણસો મોકલીને યોગ્ય કરાવી લેવાશે.