નડિયાદના ચકલાસીના વેપારીને સોશિયલ સાઇટ થકી પરિચયમાં આવેલ વ્યક્તિ સાથે ધંધામાં રોકાણ કરવા જતા છેતરપિંડીનો શિકાર બન્યા છે. ચકલાસી ચોકડી પાસે રહેતા જયદીપ શાહ છુટક સિમેન્ટનો વ્યાપાર કરે છે. જયદીપના સોશિયલ મીડિયા પર હેલન મોટાના બ્રેઇન નામની અજાણી મહિલાએ મેસેજ કર્યો હતો.
હાય હેલ્લો થી શરૂ થયેલી વાત ધંધામાં પૈસાનુ રોકાણ કરવા સુધી ચાલી હતી. હેલને જયદિપને કહ્યું હતુ કે તે લંડન થી મુંબઈ અને મુંબઈ થી અમદાવાદ આવે છે. તે સમયે જયદિપને એક અજાણ્યા મોબાઇલ ધારકનો ફોન આવ્યો હતો. જેમાં ઇન્ડિયન ઇમીગ્રેશન ઓફિસનુ નામ લખાઇને આવ્યું હતું. કોલ કરનાર મહિલાએ હિન્દીમાં વાત કરી કહ્યું હતુ કે મુંબઈ એરપોર્ટ પર હેલન આવ્યા છે અને તેની પાસે યલો કાર્ડ નથી, જેથી પૈસા ભરવા પડશે તેમ કહી ચાર્જ પેટે રૂ ૨.૩૫ લાખ, રોકડને રૂપિયામાં કનવર્ટ કરવાના ચાર્જ પેટે રૂ ૧.૨૯ લાખ, આર. બી. આઇ ફંડ રિલીઝ ચાર્જ પેટે રૂ ૩.૦૯ મળી કુલ રૂ ૬.૭૩ લાખ ભરાવ્યા હતા. આ બાદ આવેલ નંબર પર ફોન કરતા તે બંધ થઈ ગયો હતો. જ્યારે સોશિયલ સાઈટ પર હેલનને મેસેજ કરતા કોઈ જવાબ ન મળતા છેતરપિંડી થયાની ખબર પડી.