ધી નડીઆદ એજ્યુકેશન સોસાયટી સંચાલિત સી.બી.પટેલ આર્ટ્સ કોલેજ, નડિયાદમાં કાર્યરત અર્થશાસ્ત્ર ( યુ.જી. / પી.જી..) વિભાગના ઉપક્રમે કોલેજના આચાર્ય ડૉ.મહેન્દ્ર કુમાર દવે સાહેબના અધ્યક્ષ સ્થાને તેમના માર્ગદર્શન અને પ્રોત્સાહન થકી ‘વિશ્વ વસ્તી દિવસ’ વિષય પર વકતૃત્વ સ્પર્ધા યોજાઈ હતી. આ કાર્યક્રમની શરૂઆત પ્રાર્થનાથી કરવામાં આવી હતી. વિશ્વ વસ્તી દિવસ વિષય પર વક્તૃત્વ સ્પર્ધામાં ભાગ લેનાર વિદ્યાર્થીઓએ વસ્તી વધારાના કારણો, તેની અસરો અને તેના નિરાકરણ માટે પોતાના મૌલિક વિચારો અભિવ્યક્ત કર્યા હતા. આ સ્પર્ધામાં અર્થશાસ્ત્ર વિષયના સ્નાતક તેમજ અનુસ્નાતક કક્ષાના કુલ ૮ વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો અને સુંદર વાક છટાથી પોતાના વિચારો પ્રદર્શિત કર્યા હતા. વિદ્યાર્થીઓના વક્તવ્યથી પ્રસન્ન થઈને આચાર્યએ પણ અધ્યક્ષીય પ્રવચનમાં સારા વક્તાના લક્ષણો કેવા હોય, તે માટે કેવી રીતે પૂર્વ તૈયારી કરવી જોઈએ અને આવી સ્પર્ધાઓમાં ભાગ લેવો જોઈએ, તેનું માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. વક્તૃત્વ સ્પર્ધાના અંતે વિજેતા જાહેર કરવામાં આવ્યા હતા. જેમાં પ્રથમ ક્રમે કુ.ચતુર્વેદી તેજલ, બીજા ક્રમે ચૌહાણ તેજેન્દ્ર અને તૃતીય ક્રમે કુ. ભારતી મકવાણા તથા પરમાર ભગવતી એ સ્થાન પ્રાપ્ત કરી આચાર્યના હસ્તે પ્રમાણપત્ર મેળવ્યા હતા. વિભાગના અધ્યક્ષ પ્રા.આર.બી.સક્સેના તથા પ્રા.બીજલ બારોટ, પ્રા.વિજયભાઈ ચૌહાણ અને પ્રા.આર્ય પટેલે સુંદર માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. આ પ્રસંગે મોટી સંખ્યામાં વિદ્યાર્થી ઓએ ઉપસ્થિત રહી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો. કાર્યક્રમનું સુંદર સંચાલન કુ.વૈશાલી, મલેક આદિલ તથા જુનેદ સિંધી એ કર્યું હતું. અંતમાં રાષ્ટ્રગાન કરી કાર્યક્રમ સંપન્ન થયો હતો.
સી.બી.પટેલ આર્ટ્સ કોલેજ, નડીઆદના અર્થશાસ્ત્ર વિભાગના ઉપક્રમે વિશ્વ વસ્તી દિવસ નિમિત્તે ” વકતૃત્વ સ્પર્ધા” યોજાઈ.
Advertisement